ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે લક્ષદ્રીપના દરિયામાંથી 3 હજાર કરોડનું 526 કિલો ડ્રગ્સ ઝડપ્યું, પાંચ આરોપીઓની ધરપકડ

📅 Published: September 30, 2026 | 📂 Category: India National

ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્વારા અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં 3 હજાર કરોડથી વધુની કિંમતનો અંદાજે 526 કિલોગ્રામ ડ્રગ્સનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.ગુપ્ત માહિતીના આધારે હાથ ધરેલી આ હવાઈ અને દરિયાઈ સર્વેલન્સ કાર્યવાહી દરમિયાન એક શંકાસ્પદ ઈરાની બોટને ઝડપી લેવામાં આવી હતી અને પાકિસ્તાનના પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.  

ઈરાની બોટનો પીછો કરી પકડી પાડી

ગુજરાત ATS સાથે સંકલન સાધીને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં,લક્ષદ્વીપની પશ્ચિમે,આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ તસ્કરીના એક શંકાસ્પદ કાવતરાને ઝડપી પાડ્યું છે. ચોક્કસ બાતમીના આધારે, કોસ્ટ ગાર્ડની ટીમોએ દરિયાઈ અને હવાઈ સર્વેક્ષણનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને 25 સપ્ટેમ્બરના રોજ એક શંકાસ્પદ ઈરાની બોટનો પીછો કરીને તેને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.આ ઓપરેશનમાં અંદાજે 526 કિલોગ્રામ હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 3 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા આ ઈરાની બોટ ચલાવી રહેલા પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.જપ્ત કરાયેલી બોટ અને તેમા સવાર આરોપીઓને સંયુક્ત પૂછપરછ અને આગળની કાનૂની કાર્યવાહી માટે સશસ્ત્ર સુરક્ષા સાથે મુંબઈ લાવવામાં આવ્યા છે.આ જપ્ત થયેલ જથ્થો માત્ર તેના કદ માટે જ નહીં પરંતુ દરિયાઈ માર્ગે વધી રહેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના પડકારને ઉજાગર કરવા માટે પણ ખૂબ મહત્વનો છે. સુરક્ષા એજન્સીઓ માટે હવે ધ્યાન માત્ર ડ્રગ્સ પકડવા પૂરતું મર્યાદિત નથી પરંતુ મોટા નેટવર્ક તરફ વળ્યું છે. આ જથ્થાને કોણે નાણાં પૂરા પાડ્યા હતા તે ક્યાં જઈ રહ્યો હતો અને સપ્લાય ચેઈનના બીજા છેડે કોણ રાહ જોઈ રહ્યું હતું? આ પ્રશ્નોના જવાબો આંતરરાષ્ટ્રીય જળસીમામાં સક્રિય વિશાળ ડ્રગ્સ નેટવર્ક અંગે મહત્વપૂર્ણ પુરાવા આપી શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *