ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા અને હાલ રાજ્યપાલની મંજૂરી હેઠળ પેન્ડિંગ ગુજરાત ભાડા વિધેયક 2026 સામે અમદાવાદના વકીલ મંડળોએ ઉગ્ર લડતનું રણશિંગું ફૂંક્યું છે.ભદ્ર કોર્ટ સંકુલ ખાતે યોજાયેલી જુદા-જુદા બાર એસોસિએશનોની સંયુક્ત અસાધારણ સભામાં નવા વિધેયક સામે વિરોધ દર્શાવી આજે તા.૩૦મી સપ્ટેમ્બરથી તા.2જી ઓક્ટોબર એમ ત્રણ દિવસ સુધી અદાલતી કામકાજથી અળગા રહેવાનો વિધિવત ઠરાવ કરાયો છે.
તાલુકા કક્ષા સુધી લડત લંબાવવા વિચારણા
આ આંદોલનના ભાગરૂપે ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના વકીલો અદાલતી કામગીરીથી દૂર રહેશે.જોકે,ધી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટનું અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસિએશન હજુ સુધી આ લડતમાં જોડાયું નથી.બીજી તરફ અમદાવાદ બાર એસોસિએશન, સ્મોલ કોઝ કોર્ટ બાર, ફેમિલી કોર્ટ બાર અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને હડતાળને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.આગામી દિવસોમાં આ વિરોધને રાજ્યવ્યાપી બનાવી તાલુકા કક્ષા સુધી લડત લંબાવવા વિચારણા ચાલી રહી છે.
સંબંધિત કોર્ટોને અનુરોધ કરવામાં આવ્યો
વકીલ મંડળોનો મુખ્ય આક્ષેપ છે કે ભાડા વિધેયકમાં સિટી સિવિલ કોર્ટ પાસેથી પ્રાથમિક સત્તા આંચકીને આસિસ્ટન્ટ કલેક્ટર કે આસિસ્ટન્ટ કમિશનર જેવા વહીવટી બાબુઓને સોંપી દેવાતાં નાગરિકો માટે ન્યાય મેળવવો મુશ્કેલ બનશે.તા.30મી સપ્ટેમ્બરથી તા.2જી ઓક્ટોબર દરમિયાન હડતાળના એલાનને લઈ ઉપરોક્ત એસોસિએશનો તરફથી સંબંધિત કોર્ટોને અનુરોધ કરવામાં આવ્યો છે કે,આ દિવસોમાં વકીલો કે પક્ષકારોની ગેરહાજરીમાં એકતરફી કેસ ચલાવવામાં ન આવે કે પક્ષકારોની ગેરહાજરીને લઈ વોરંટ કે નોટિસ જારી કરવામાં ન આવે.પક્ષકારોના કેસોને નુકસાન ન થાય તે માટે જે-તે કેસ તે જ સ્ટેજ પર મુલતવી રાખવા પણ વિનંતી કરાઈ છે.
