અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નારણપુરા ખાતે હાથ ધરાયેલા ટાઉન પ્લાનિંગ (TP) રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગંભીર ગેરરીતિ અને અનિયમિતતાઓ આચરાઈ હોવાના આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે. રિ-ડેવલપમેન્ટ હેઠળ કોમર્શિયલ બાંધકામના પ્લાનને મંજૂરી આપવા સામે સ્થાનિકો અને અરજદારો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે, જ્યાં હાઇકોર્ટે અરજીની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડને કડક નોટિસ ફટકારીને સ્પષ્ટતા માગી છે.
2 હજાર વારનો બગીચો, વૃક્ષો અને પ્લોટ નંબર બદલવાના ગંભીર આરોપો
અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે નારણપુરાના આ TP રિ-ડેવલપમેન્ટ પ્લાનમાં આશરે 2 હજાર વારનો જાહેર બગીચો અનામત રાખવામાં આવ્યો હતો. પરંતુ બિલ્ડરો અને તંત્રની મિલીભગતથી આ જાહેર બગીચો કાગળ પરથી ગાયબ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં આવેલા લીલાછમ વૃક્ષોનો પણ નાશ કરી દેવાયો છે. આ ઉપરાંત, કોમર્શિયલ બિલ્ડીંગ તૈયાર કરવાના મલિન ઈરાદાથી પ્લોટ નંબરોમાં પણ ફેરફાર કરી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે.
તંત્રની શંકાસ્પદ ભૂમિકા સામે સ્થાનિકોમાં રોષ
જાહેર સુવિધા માટે ફાળવાયેલી જમીન પર કાયદાકીય નિયમોનો ભંગ કરીને ખાનગી કોમર્શિયલ બાંધકામો ખડકી દેવાના પ્રયાસો સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. AMC અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓની મૌન સંમતિ અને શંકાસ્પદ ભૂમિકા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હાઇકોર્ટે બંને સત્તામંડળોને નોટિસ પાઠવતાં હવે આ પ્રકરણમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો : Ahmedabad News: અમદાવાદીઓ ધ્યાન રાખજો, મકરબા બાદ હેબતપુર રેલવે ઓવરબ્રિજ પર પણ ટ્રાફિકજામ સર્જાશે
