અમદાવાદની ભદ્ર સિટી સિવિલ કોર્ટે કૌટુંબિક મિલકત વિવાદના એક કેસમાં સિનિયર સિટીઝન પિતાને રાહત આપતો ચુકાદો આપ્યો હતો.જેમાં કોર્ટે પુત્ર અને પુત્રવધૂને 90 દિવસની અંદર ઘરનો કબજો ખાલી કરીને અરજદાર મકાનમાલિક પિતાને સોંપી દેવા ફરમાન કર્યું હતું.સિવિલ જજ વી.એ. ધાંધલે ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, પિતાએ પોતાની સ્વ-ઉપાર્જિત કમાણીથી ખરીદેલી મિલકતમાંથી પોતાના પુત્ર અને પુત્રવધૂને બહાર કરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે.
મિલકતને પુત્રવધૂનું શેર્ડ હાઉસહોલ્ડ ગણી શકાય નહીં
કોર્ટે કહ્યું હતું કે,પિતાની સ્વમેળે કમાયેલી અને તેમની સ્વતંત્ર માલિકીની મિલકતને પુત્રવધૂનું શેર્ડ હાઉસહોલ્ડ ગણી શકાય નહીં.માત્ર મેટ્રિમોનિયલ હોમ હોવાના આધારે પુત્રવધૂને આવી મિલકતમાં રહેવાનો કાયદેસર અધિકાર મળી જતો નથી. જોકે, પુત્રવધૂ સાથે રહેતી પુખ્તવયની પૌત્રીને પક્ષકાર બનાવાઈ નહીં હોવાથી કોર્ટે તેની વિરુદ્ધ કોઈ આદેશ કર્યો ન હતો.કોર્ટે અરજદાર એવા વયોવૃદ્ધ પિતાનો દાવો આંશિક રીતે મંજૂર કરી પુત્ર અને પુત્રવધૂને મકાનના પહેલા માળે તેમના કબજાના રૂમો 90 દિવસમાં ખાલી કરવાનો હુકમ કર્યો હતો.બંને જણાંને પિતાના મકાનના ઉપયોગ અને ભોગવટામાં કોઈપણ પ્રકારનો અવરોધ કે દખલ કરવા સામે કાયમી મનાઈ ફરમાવી દીધી હતી.
મકાનનું એલોટમેન્ટ પણ 1986માં તેમના નામે થયું
વાસણા વિસ્તારમાં રહેતા મનુભાઈ શાહે 1980ના દાયકામાં પોતાની કમાણીથી આ મકાન ખરીદ્યું હતું.વર્ષ 2002માં તેમના પુત્રના લગ્ન થયા બાદ પુત્ર અને પુત્રવધૂ પહેલા માળના રૂમોમાં રહેતા હતા.જોકે,દંપતી વચ્ચેના કલેશના કારણે મિલકતનો મામલો આખરે કોર્ટે સુધી આવ્યો હતો.વારંવારની વિનંતી છતાં પુત્ર અને પુત્રવધૂએ ઘર ખાલી કરવાની ના પાડતાં પિતાએ વર્ષ 2013માં સિટી સિવિલ કોર્ટમાં દાવો માંડ્યો હતો.જેમાં તેમણે વર્ષ 1981થી 1986 સુધી દસ્તાવેજો પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. મકાનનું એલોટમેન્ટ પણ 1986માં તેમના નામે થયું હતું.
સમગ્ર કેસ શું હતો?
સુનાવણી દરમિયાન પુત્રવધૂએ દાવો કર્યો હતો કે,આ મકાન તેનું વૈવાહિક ઘર છે અને ઘરેલું હિંસા કાયદા હેઠળ તેને અહીં રહેવાનો અધિકાર છે.તેણે ઘરની બહાર કરવા પતિ અને સસરાએ મિલિભગત કરી હોવાનો તેણે આરોપ લગાવ્યો હતો.કોર્ટે દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી બાદ જણાવ્યું કે,આ મિલકત ખરીદવામાં કે તેના નિર્માણમાં પુત્ર કે પુત્રવધૂનું કોઈ આર્થિક યોગદાન નહોતું અને તેના એકમાત્ર માલિક સસરા જ છે.સિવિલ કોર્ટે ઠરાવ્યું કે સાસુ-સસરાની અંગત કે સ્વ-ઉપાર્જિત મિલકતને પુત્રવધૂ માટે કાયદાકીય રીતે પોતાનું ઘર ગણી શકાય નહીં.
