ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વનડે સિરીઝની બીજી મેચ આજે, 30 સપ્ટેમ્બરે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચમાં 8 વિકેટે જીત મેળવીને ભારત સિરીઝમાં 1-0થી આગળ છે. હવે ટીમ ઈન્ડિયા પાસે બીજી મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાની તક છે. મેચ પહેલાં સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલી અને રોહિત શર્માના ગુવાહાટી રેકોર્ડને લઈને થઈ રહી છે. બંને બેટરના આ મેદાન પરના આંકડા ખાસ છે.
ગુવાહાટી રોહિત માટે બન્યું છે ખાસ મેદાન
બારસાપારા સ્ટેડિયમમાં રોહિત શર્માએ અત્યાર સુધી 2 વનડે મેચ રમી છે અને બંને ઈનિંગમાં મોટી ઈનિંગ રમી છે. તેના નામે અહીં કુલ 235 રન છે. તેની સરેરાશ 235.00 અને સ્ટ્રાઈક રેટ 127.71 છે. તેમાં 1 સદી અને 1 અડધી સદી સામેલ છે. 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે રોહિતે અહીં 117 બોલમાં અણનમ 152 રન બનાવ્યા હતા. ત્યારબાદ 2023માં શ્રીલંકા સામે તેણે 83 રનની ઈનિંગ રમી હતી. એટલે ગુવાહાટીનું મેદાન રોહિત માટે અત્યાર સુધી ખૂબ જ સફળ રહ્યું છે.
રોહિત પાસે મોટો માઈલસ્ટોન
આ મેચ રોહિત માટે વ્યક્તિગત રીતે પણ મહત્વની છે. પ્રથમ વનડે બાદ તેના નામે 289 મેચની 281 ઈનિંગમાં 11,927 વનડે રન છે. હવે તે 12,000 રન પૂરા કરવાથી માત્ર 73 રન દૂર છે. જો રોહિત ગુવાહાટીમાં 73 કે તેથી વધુ રન બનાવે છે, તો તે વનડેમાં 12,000 રન બનાવનાર માત્ર ત્રીજો ભારતીય બેટર બનશે. આ યાદીમાં હાલમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સામેલ છે. રોહિતે 2026માં અત્યાર સુધી 10 વનડેમાં 411 રન બનાવ્યા છે. તેની સરેરાશ 41.10 છે અને તેમાં 1 સદી તથા 1 અડધી સદી સામેલ છે.
વિરાટનો ગુવાહાટીમાં સદીનો રેકોર્ડ
વિરાટ કોહલીનો પણ બારસાપારા સ્ટેડિયમમાં શાનદાર રેકોર્ડ છે. તેણે અહીં 2 વનડે ઈનિંગમાં 253 રન બનાવ્યા છે અને બંને વખત સદી ફટકારી છે. તેની સરેરાશ 126.50 છે. 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટે 107 બોલમાં 140 રન બનાવ્યા હતા. ત્યારબાદ 2023માં શ્રીલંકા સામે તેણે 87 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. એટલે ગુવાહાટીમાં વિરાટ જ્યારે પણ રમ્યો છે, ત્યારે સદી સુધી પહોંચ્યો છે.
ફરી એકવાર રોહિત-વિરાટ પર નજર
બારસાપારા સ્ટેડિયમમાં ભારતે અત્યાર સુધી રમેલી બંને વનડે જીતી છે. 2018માં ભારતે વેસ્ટ ઈન્ડિઝના 322/8ના સ્કોરનો પીછો કરતાં 326/2 બનાવી 8 વિકેટે જીત મેળવી હતી. એ મેચમાં રોહિતે 152* અને વિરાટે 140 રન બનાવ્યા હતા. 2023માં ભારતે શ્રીલંકા સામે 373/7 બનાવ્યા હતા અને 67 રને જીત મેળવી હતી. વિરાટે 113 અને રોહિતે 83 રન બનાવ્યા હતા.
આથી આજે ફરી બંને અનુભવી બેટર પર નજર રહેશે. એક તરફ ભારત પાસે સિરીઝ જીતવાની તક છે, તો બીજી તરફ રોહિત પાસે 12,000 વનડે રન પૂરા કરવાનો માઈલસ્ટોન છે. વિરાટ પણ પ્રથમ મેચની 139 રનની ઈનિંગ બાદ ફરી મોટી ઈનિંગ રમવા ઉતરશે. મેચ બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.
આ પણ વાંચો: Abhishek Porelની ક્રિકેટમાં ધમાકેદાર વાપસી!,આ ટીમમાં મળ્યું સ્થાન
