બિહારના સમસ્તીપુર જિલ્લામાં થોડા મહિનાઓ અગાઉ થયેલી ચર્ચાસપદ હત્યાના ગુનામાં ફરાર આરોપીને સુરતની સારોલી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મળતી વિગતો અનુસાર, આરોપી શિવશંકર સહાનીએ સમસ્તીપુરમાં એક યુવક સાથે સામાન્ય બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યાના આ ગુનામાં પોલીસ પકડથી બચવા માટે તે ભાગીને સુરત આવી સંતાયો હતો.
આરોપી સારોલી પોલીસની ગિરફ્તમાં
સુરતમાં ગુનાખોરી અને ફરાર આરોપીઓ પર નજર રાખી રહેલી સારોલી પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બિહારના સમસ્તીપુરમાં હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી શિવશંકર સહાની સારોલી વિસ્તારમાં છુપાઈને રહી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને આરોપીની અટકાયત કરી લીધી હતી.
પકડથી બચવા સુરત આવીને છુપાયો હતો
સારોલી પોલીસે આરોપી શિવશંકર સહાનીની સઘન પૂછપરછ કરતાં તેણે બિહારના સમસ્તીપુરમાં યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તુરંત જ બિહાર પોલીસનો સંપર્ક કરી સમગ્ર મામલે જાણ કરી છે. બિહાર પોલીસની ટીમ સુરત આવીને આરોપીનો કબજો મેળવી ટ્રાન્સફર રિમાન્ડ અર્થે બિહાર લઈ જશે.
