Gujarat News : શંકરસિંહ વાઘેલાની પક્ષમાં ભૂમિકા શું હશે એ કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરશે

📅 Published: September 30, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં હાલમાં ગાંધીનગર મનપા અને બે નગર પાલિકા સહિતની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. ઉમેદવારોના ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે ફાઈનલ ઉમેદવારો મેદાનમાં ઉતરી ગયા છે. કોંગ્રેસે ઉમેદવારોનો વનવાસ પૂર્ણ કરી પ્રચાર શરૂ કર્યો છે. જ્યારે ભાજપમાં પણ ઉકળતા અસંતોષ વચ્ચે પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતની રાજનીતિના મહત્વના સમાચાર સામે આવ્યા કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક દાયકા બાદ ફરી કોંગ્રેસનો હાથ પકડશે. અગાઉ તેઓ પોતાની પાર્ટી બનાવવા અંગેની યોજના ઘડી ચૂક્યા હતાં પરંતુ હાલ પૂરતી તેને મોકૂફ રાખી હોવાનું જાણવા મળ્યું છે.  

હાઇકમાન્ડ સાથે વિસ્તૃત ચર્ચા થવાની બાકી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા 86 વર્ષની વયે પણ રાજકારણમાં સક્રિય થયાં છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ સતત 9 વર્ષ સુધી એનસીપી સહિતની પાર્ટીઓ સાથે મળીને રાજકારણમાં સક્રિય રહ્યા છે. ત્યારે હવે તેમણે ફરી કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીના મોવડી મંડળ સાથે શંકરસિંહ વાઘેલાની ચર્ચાઓ થઈ છે. તેમના કોંગ્રેસમાં પરત ફરવા અંગે હાઈકમાન્ડ નિર્ણય લેશે.પક્ષમાં પ્રવેશ્યા બાદ શંકરસિંહની ભૂમિકા અને જવાબદારી શું રહેશે તે અંગે હાઇકમાન્ડ સાથે વિસ્તૃત ચર્ચા થવાની બાકી છે. ત્યારબાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. 

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં એન્ટ્રી બાબતે વિચારણા

ગુજરાત કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી બાબતે ઉચ્ચ સ્તરે વાતચીત ચાલી રહી છે.ભાજપથી નારાજ અને અસંતુષ્ટ અનેક નેતાઓ પણ કોંગ્રેસના સંપર્કમાં છે કારણ કે તેમને લાગે છે કે કોંગ્રેસ એક મજબૂત અને વ્યાપક રાજકીય મંચ પૂરો પાડી શકે છે.શંકરસિંહ વાઘેલા ભાજપ,RSS અને વડાપ્રધાન મોદીની આલોચના કરવામાં પણ હંમેશા આગળ રહ્યા છે. તેમણે પણ કોંગ્રેસમાં જોડાવા અંગે ઈચ્છા વ્યક્ત કરી છે. શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં જ પોતાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીને ફરીથી સક્રિય કરી હતી અને એવું નિવેદન આપ્યું હતું કે તેઓ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પોતાના પક્ષના નેતૃત્વ હેઠળ લડશે. પરંતુ હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ કોંગ્રેસના સંપર્કમાં છે.

1995માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા

શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પર નજર કરીએ તો,1995માં વાઘેલાએ ભાજપ છોડીને રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી હતી અને કોંગ્રેસના સમર્થનથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.ત્યારબાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.જોકે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો અને તેમની સાથે અનેક ધારાસભ્યો પણ પક્ષમાંથી બહાર થઈ ગયા હતા.ત્યારબાદ તેમણે જન વિકલ્પ નામની પાર્ટી બનાવી હતી.પરંતુ 2017ની ચૂંટણીમાં તેમનો એક પણ ઉમેદવાર વિજયી બની શક્યો નહોતો.

વર્ષ 2019માં તેઓ NCPમાં જોડાયા હતા

વર્ષ 2019માં તેઓ NCPમાં જોડાયા હતા અને થોડા સમય માટે રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ સેવા આપી હતી પરંતુ બાદમાં તેમણે તે પક્ષ પણ છોડી દીધો હતો. નવેમ્બર 2024માં ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને બેઠક યોજીને તેમણે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત કરી હતી અને 2 ઓક્ટોબરથી રાજકીય અભિયાન શરૂ કરવાની યોજના બનાવી હતી.હવે 2 ઓક્ટોબરની ઘટનાક્રમ બાદ ગાંધીનગરમાં તેમની કોંગ્રેસમાં સંભવિત વાપસીની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક હોવાથી કોંગ્રેસના નેતાઓ પણ વાઘેલાના પ્રભાવ અને રાજકીય નેટવર્ક પર ખાસ નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat News: સમાજવાદી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણીમાં પરિમલ નાથવાણીના પુત્ર ધનરાજ નાથવાણીને ઉમેદવાર બનાવ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *