કરજણ તાલુકામાં વર્ષ 2003માં થયેલી લૂંટના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતા આરોપી રમેશ કિધા પુજારીને વડોદરા ગ્રામ્ય એસઓજીએ મુંબઈ, મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી રવિ પુજારી ગેંગનો સાગરીત હોવાની સાથે મકોકા એક્ટ હેઠળનો આરોપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
2003માં ટ્રક રોકાવી કરી હતી મોટી લૂંટ
વર્ષ 2003માં કરજણ તાલુકા વિસ્તારમાં આરોપીઓએ ટ્રક રોકાવી હતી. ટ્રકના ડ્રાઈવર અને તેના સાથીને માર મારી તેમની પાસેથી લૂંટ કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રકમાંથી 9 ટનથી વધુ તાંબાની કેબલ લૂંટવામાં આવી હતી.
3.93 લાખની તાંબાની કેબલ લૂંટ
પોલીસ તપાસ મુજબ લૂંટવામાં આવેલી તાંબાની કેબલની કિંમત આશરે રૂ. 3.93 લાખ હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પોલીસની પકડથી દૂર રહ્યો હતો અને છેલ્લા 23 વર્ષથી નાસતો ફરતો હતો.
મુંબઈમાં છુપાઈને રહેતો હતો આરોપી
વડોદરા ગ્રામ્ય એસઓજીને આરોપી મુંબઈ, મહારાષ્ટ્રમાં હોવાની માહિતી મળ્યા બાદ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ બાદ આરોપી રમેશ કિધા પુજારીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુનાઓ નોંધાયેલા
પકડાયેલા આરોપી સામે મહારાષ્ટ્ર સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે કરજણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
23 વર્ષ બાદ જૂનો કેસ ફરી ચર્ચામાં
2003ની લૂંટ બાદ લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની ધરપકડથી 23 વર્ષ જૂના કેસમાં મહત્વની કાર્યવાહી થઈ છે. હવે કરજણ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : Kanpur: Instagramની દોસ્તી પ્રેમમાં બદલાઈ, 3 બાળકોની માતા 25 વર્ષની યુવતી સાથે રહેવા ઘર છોડીને ભાગી
