October 2026 Rules: સપ્ટેમ્બરનો મહિનો પૂરો થઈ રહ્યો છે અને 1 ઓક્ટોબર 2026થી તમારી દિનચર્યા અને ખિસ્સા સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. બેંકિંગ હોય, ઇન્કમ ટેક્સ હોય, ગેસ સિલિન્ડરની સબસિડી હોય કે પછી ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો હોય, સરકાર અને બેંકોએ સામાન્ય લોકો સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. જો તમે આ ફેરફારો પર સમયસર ધ્યાન નહીં આપો તો ખિસ્સામાંથી વધુ પૈસા ખર્ચાઈ શકે છે. જાણીએ કે ઓક્ટોબર મહિનામાં તમારી ખિસ્સા પર કયા ફેરફારોની અસર પડી શકે છે.
LPG સિલિન્ડરની સબસિડી માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી
જો તમારા ઘરમાં LPG ગેસ કનેક્શન છે અને તમે હજુ સુધી બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (Aadhaar Authentication) કરાવ્યું નથી, તો 1 ઓક્ટોબરથી તમને સબસિડીવાળો ગેસ સિલિન્ડર નહીં મળે. તમારા મનમાં સવાલ થઈ શકે કે શું ગેસ સિલિન્ડર મળવાનું જ બંધ થઈ જશે? તેનો જવાબ છે- એવું નથી. તમને સિલિન્ડર મળશે, પરંતુ તે માર્કેટ રેટ એટલે કે સબસિડી વગરના ભાવે મળશે. જો તમે સબસિડીની રકમ તમારા બેંક ખાતામાં મેળવવા માંગતા હોવ તો તરત જ ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરાવી લો.
બીજા બેંકના ATMમાંથી ઓછા ફ્રી ટ્રાન્ઝેક્શન
જો તમારું SBIમાં સેલરી પેકેજ એકાઉન્ટ છે, તો 1 ઓક્ટોબર 2026થી બીજા બેંકોના ATMમાંથી ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા મહિનામાં 10થી ઘટાડીને 5 કરવામાં આવી છે. આમાં પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવા જેવી બંને પ્રવૃત્તિઓ સામેલ છે. એટલે કે હવે બીજા બેંકના ATMનો મહિનામાં 5 વખતથી વધુ ઉપયોગ કરશો તો ચાર્જ ચૂકવવો પડી શકે છે. BSBD (જનધન/બેઝિક) ખાતાઓ માટે મહિનામાં 4 ફ્રી ટ્રાન્ઝેક્શનનો જૂનો નિયમ જ લાગુ રહેશે.
Google Pay અને PhonePe પર પૈસા લાગશે?
સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ચાલી રહી છે કે હવે 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્સફર પર ચાર્જ લાગશે. પરંતુ હકીકત અલગ છે. સામાન્ય ગ્રાહકો માટે પર્સન-ટુ-પર્સન (P2P) ટ્રાન્સફર સંપૂર્ણપણે ફ્રી રહેશે. આ નિયમ મોટા મર્ચન્ટ એટલે કે દુકાનદારો માટેના MDR ફ્રેમવર્ક સાથે જોડાયેલો છે. એટલે ગ્રાહકોએ 2,000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર પોતાની ખિસ્સામાંથી વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
RBIની MPC બેઠકમાં રેપો રેટ પર નિર્ણય
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 5થી 7 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાવાની છે. હાલમાં રેપો રેટ 5.25 ટકા છે. 7 ઓક્ટોબરે RBIના ગવર્નર નિર્ણયની જાહેરાત કરશે. ત્યાર બાદ જ ખબર પડશે કે હોમ લોન અથવા કાર લોનની EMIમાં ઘટાડો થશે કે પછી તે યથાવત રહેશે. ટેક્સપેયર્સ અને CA માટે રાહતના સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ એસેસમેન્ટ યર 2026-27 માટે ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 21 ઓક્ટોબર 2026 કરી છે. ઓડિટવાળા કેસમાં ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબરથી વધારીને 21 નવેમ્બર 2026 કરવામાં આવી છે.
NRI પાસેથી પ્રોપર્ટી ખરીદવા પર TDSનો નિયમ સરળ
જો તમે કોઈ NRI પાસેથી ઘર, દુકાન અથવા જમીન ખરીદી રહ્યા છો, તો 1 ઓક્ટોબર 2026થી TDS કાપવા માટે અલગથી TAN નંબર લેવાની જરૂર નહીં રહે. હવે તમે તમારા સામાન્ય PAN કાર્ડનો ઉપયોગ કરીને જ TDS કાપી અને જમા કરી શકશો.
PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદર પર નિર્ણય
સપ્ટેમ્બરના અંતમાં સરકાર પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ જેવી કે PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, NSC અને સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ માટે ઓક્ટોબરથી ડિસેમ્બર 2026ના ત્રિમાસિક ગાળા માટે નવા વ્યાજદરની જાહેરાત કરી શકે છે. હવે જોવાનું રહેશે કે આ વખતે વ્યાજદરમાં વધારો થાય છે કે પછી વ્યાજદર યથાવત રહે છે.
NPSમાં નવા રજિસ્ટ્રેશન પર ₹200 ચાર્જ
જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં નવું રજિસ્ટ્રેશન કરાવવા જઈ રહ્યા છો, તો 1 ઓક્ટોબરથી PoP (Point of Presence) દ્વારા રજિસ્ટ્રેશન કરાવવા પર ₹200નો વન-ટાઈમ ઓનબોર્ડિંગ ચાર્જ ચૂકવવો પડશે.
બેંકોમાં બલ્ક ડિપોઝિટના નવા નિયમો
RBIએ કહ્યું છે કે 1 ઓક્ટોબરથી તમામ બેંકો, જેમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો પણ સામેલ છે, તેમણે પોતાના બલ્ક ડિપોઝિટ એટલે કે મોટી FDના નવા વ્યાજદર પોતાની વેબસાઇટ પર જાહેર કરવા પડશે. આ વ્યાજદર દરેક બિઝનેસ ડેની સવારે 10 વાગ્યા સુધી, વધુમાં વધુ 10:10 વાગ્યા સુધી વેબસાઇટ પર પ્રકાશિત કરવાના રહેશે.
આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓને દશેરા પહેલાં મળી શકે બોનસ, જાણો કેટલી રકમ મળશે
