Appથી બુક થતી કેબ, બાઇક ટેક્સી અને અન્ય રાઇડ સર્વિસમાં મહિલાઓની સુરક્ષાને લઈને દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે Uber, Ola અને Rapido સાથે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ જાહેર કરી છે.
મહિલાઓની સુરક્ષા અંગે PIL પર સુનાવણી
આ મામલો મહિલાઓની સુરક્ષા સાથે જોડાયેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી દરમિયાન સામે આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે તે એ જોવા માંગે છે કે પ્રાઇવેટ રાઇડ કંપનીઓ મુસાફરોની સુરક્ષા માટે બનાવવામાં આવેલી વ્યવસ્થાઓની જવાબદારી કેટલી લે છે. કોર્ટે તમામ સંબંધિત પક્ષોને આગામી સુનાવણી સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે. આ મામલે આગામી સુનાવણી 16 ડિસેમ્બરે થશે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે કહ્યું કે એપથી કેબ ચલાવતી પ્રાઇવેટ કંપનીઓને મુસાફરોની સુરક્ષા માટેની વ્યવસ્થાઓ માટે જવાબદાર બનાવવી જોઈએ. આ કારણસર કોર્ટે તેમને નોટિસ જાહેર કરી છે.
મહિલાઓની સુરક્ષા માટે નિયમો મજબૂત કરવાની માંગ
આ જનહિત અરજી આદિત્ય સહગલે દાખલ કરી છે. તેમાં એપ આધારિત કેબ, બાઇક ટેક્સી અને અન્ય રાઇડ સર્વિસમાં મહિલાઓની સુરક્ષાના નિયમોને વધુ મજબૂત કરવાની માંગ કરવામાં આવી છે. અરજદાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે દિલ્હી-NCRમાં એપ આધારિત કંપનીઓની 2 લાખથી વધુ કેબ ચાલે છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રાત્રિના સમયે ડ્રાઇવરોની પૂરતી તપાસ કરવામાં આવતી નથી. અરજદારના વકીલે કહ્યું કે રાત્રે 8 કે 9 વાગ્યા પછી ડ્રાઇવરો એરપોર્ટ અથવા અન્ય મહત્વની જગ્યાઓ પર કામ કરી રહ્યા છે કે નહીં, તેની તપાસ થતી નથી. સાથે જ ડ્રાઇવર દારૂના નશામાં વાહન ચલાવી રહ્યો નથી ને, તેની પણ તપાસ કરવાની જરૂરિયાત જણાવવામાં આવી છે.
ડ્રાઇવર અને વાહનની ઓળખની તપાસની માંગ
PILમાં ડ્રાઇવરોના વેરિફિકેશન અને તેમના જૂના ગુનાહિત રેકોર્ડની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રાઇવર અને વાહનની ઓળખ, રસ્તામાં ફેરફાર, ઇમરજન્સીની સ્થિતિમાં મદદ અને ફરિયાદોના ઉકેલ માટે વધુ સારી વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એપ પર જે ડ્રાઇવર અને વાહનની માહિતી દેખાડવામાં આવે, રાઇડ દરમિયાન એ જ ડ્રાઇવર અને એ જ વાહન હોવું જોઈએ. જો કોઈ રાઇડમાં જાણ કર્યા વગર ડ્રાઇવર અથવા વાહન બદલી નાખવામાં આવે તો મુસાફરને કોઈ દંડ વિના રાઇડ કેન્સલ કરવાનો વિકલ્પ આપવાની માંગ કરવામાં આવી છે. આવા મામલાઓને સુરક્ષા સાથે જોડાયેલી ઘટના તરીકે રેકોર્ડ કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
SOS એલર્ટ માટે 24 કલાક કંટ્રોલ સેન્ટરની માંગ
PILમાં SOS એલર્ટ મળ્યા બાદ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે 24 કલાક કાર્યરત કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બનાવવાની માંગ કરવામાં આવી છે. પ્રસ્તાવ મુજબ જરૂર પડે ત્યારે બુકિંગની માહિતી, ડ્રાઇવરની ઓળખ, વાહન નંબર અને તેની લાઇવ લોકેશન ઇમરજન્સી ટીમ તથા પોલીસ સાથે શેર કરી શકાય. જોકે, આ કામગીરી કાયદા અને પ્રાઇવસી સાથે જોડાયેલા નિયમો હેઠળ કરવાની વાત કહેવામાં આવી છે. PILમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે જો ડ્રાઇવર કોઈ કારણ વગર અથવા નક્કી કરાયેલા રસ્તાથી ઘણો અલગ રસ્તો અપનાવે તો મુસાફરને ઓટોમેટિક એલર્ટ મળવું જોઈએ. આ ઉપરાંત ડ્રાઇવરોને મહિલાઓ સાથે યોગ્ય વ્યવહાર અને સંવેદનશીલતા અંગે સમયાંતરે ટ્રેનિંગ આપવાની માંગ કરવામાં આવી છે. એકાંત અને સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.
મહિલા ડ્રાઇવર પસંદ કરવાનો વિકલ્પ
અરજીમાં મહિલા ડ્રાઇવરોનો એક વેરિફાઇડ પૂલ બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. તેના હેઠળ એકલી મુસાફરી કરતી મહિલાઓને ઉપલબ્ધતા મુજબ મહિલા ડ્રાઇવર પસંદ કરવાનો અથવા આવી ડ્રાઇવરને પ્રાથમિકતા આપવાનો વિકલ્પ આપી શકાય છે. હાલમાં દિલ્હી હાઈકોર્ટે આ મામલે સંબંધિત પક્ષો પાસેથી જવાબ માંગ્યો છે. આગામી સુનાવણીમાં કોર્ટ આ સુરક્ષા ઉપાયો અંગે રાઇડ કંપનીઓ અને સરકારનો પક્ષ સાંભળશે.
આ પણ વાંચો: પીએમ મોદી સાથે મહિલાની મોર્ફ તસવીરનો મામલો, દિલ્હી હાઈકોર્ટની CJPના 4 નેતાઓને નોટિસ
