અમદાવાદ શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે ચલાવાઈ રહેલી ઝુંબેશ અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ને મોટી સફળતા મળી છે. સરખેજ વિસ્તારમાં આવેલ મકરબા ખાતેના ‘ઓર્ચિડ વાઇટફીલ્ડ’ ફ્લેટના એક રહેણાંક મકાનમાં ANTF ની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઘરમાંથી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે જયકુમાર ઉર્ફે જુગલ બારોટ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
સરખેજમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો
પોલીસે ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં આરોપી પાસે થી 318.240 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત, ગાંજાનું નાનું-નાનું પેકિંગ કરીને વેચવા માટે ઉપયોગમાં લેવાતા ૫ ઇલેક્ટ્રિક ડિજિટલ વજન કાંટા, 2 મોબાઇલ ફોન અને રોકડા રૂ. 26,800મળી આવ્યા હતા. ANTF એ ગાંજા અને સાધન-સામગ્રી મળીને કુલ રૂ. 1,18,212 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
5 વજન કાંટા અને રોકડ રકમ જપ્ત
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં જયદીપ વિરેન્દ્રસિંહ રાઠોડ નામના અન્ય એક શખ્સની સંડોવણી સામે આવતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હાઇબ્રિડ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો.
