ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) ગામે રહેતા અને પોસ્ટ ઓફિસના નિવૃત્ત કર્મચારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સાયબર છેતરપિંડી થઈ છે. સોશિયલ મીડિયા પર જૂના સિક્કા ઊંચી કિંમતે વેચવાની જાહેરાત જોઈને સાયબર ઠગોની જાળમાં ફસાયેલા 70 વર્ષીય વૃદ્ધ પાસેથી મહિલા સહિતની ટોળકીએ કટકે-કટકે રૂ. 23 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રજિસ્ટ્રેશન અને પ્રોસેસિંગ ફીના નામે લાખો પડાવ્યા
ડિસેમ્બર 2022માં ફેસબુક રીલ્સ જોતી વખતે જૂના સિક્કા ખરીદ-વેચાણની જાહેરાત જોઈને વૃદ્ધે સંપર્ક કર્યો હતો. સવિતા નામની મહિલાએ વાતચીત કરી સિક્કાના રૂ. 60 લાખ આપવાની લાલચ આપી હતી. શરૂઆતમાં રજિસ્ટ્રેશન ફી પેટે ₹500 મંગાવ્યા બાદ સવિતા, અમનકુમાર અને પંકજકુમાર ભદોરિયા નામના શખ્સોએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કટકે-કટકે ₹19 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. રૂ. 1 કરોડની લાલચ અને પોલીસ તપાસ
ત્યારબાદ ટોળકીના અન્ય સાગરીતો પૂજાબેન અને રાજ સાનીએ સંપર્ક કરી સિક્કાની કિંમત ₹1 કરોડ અપાવવાની લાલચ આપી વધુ ₹4,79,580 ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ, કુલ ₹23 લાખથી વધુની રકમ પડાવી લીધા બાદ પણ કોઈ નાણાં ન મળતાં વૃદ્ધે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે BNS એક્ટ અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જૂના સિક્કા વેચવાના નામે નિવૃત્ત પોસ્ટમેન સાથે 23 લાખની ઠગાઈ:સિહોરના વૃદ્ધને રૂ. 1 કરોડની લાલચ આપી મહિલા સહિતની ઠગ ટોળકીએ લાખો રૂપિયા પડાવ્યા
📅 Published: October 1, 2026 |
📂 Category: gujarati-news
