રાજ્યની 40થી વધુ ટેકનિકલ કોલેજોના બી.આર્ક.,બી.ઇ.-બી.ટેક.,બી.ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતના અભ્યાસક્રમોનું ત્રણ વર્ષનું ફી માળખું FRC દ્વારા જાહેર કરાયું છે.જેમાં વાર્ષિક પાંચથી થીસ ટકા સુધીનો ફી વધારો ઝીંકવામાં આવ્યો છે.સૌથી વધુ વડોદરાની નવરચના યુનિવર્સિટીમાં ચાલતી સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચરની બી.આર્ક.ની ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27ની ફી રૂ.1.85 લાખ, વર્ષ 2027-28ની રૂ.1.99 લાખ અને વર્ષ 2028-29ની રૂ.2.14 લાખ ફી મંજૂર કરાઈ છે.
અન્ય તમામ પ્રકારની ફીનો સમાવેશ થાય છે
ગુજરાત પ્રોફેશનલ ટેકનિકલ એજ્યુકેશનલ કોલેજિસ અધિનિયમ હેઠળ ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા શૈક્ષણિક બ્લોક વર્ષ 2026-27થી 2028-29 માટે વિવિધ ટેકનિકલ સંસ્થાઓ માટે ફીનું નિર્ધારણ કરાયું છે અને આ ફી માળખું આગામી ત્રણ વર્ષ માટે તમામ સંબંધિત વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ માટે સત્તાવાર રીતે બંધનકર્તા રહેશે. નિર્ધારિત ફીમાં ટ્યુશન, લાઇબ્રેરી, લેબોરેટરી અને અન્ય તમામ પ્રકારની ફીનો સમાવેશ થાય છે.

કોઈપણ પ્રકારની વધારાની ફી વસૂલ કરી શકશે નહીં
જેથી સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની વધારાની ફી વસૂલ કરી શકશે નહીં. ફીની રકમ વાર્ષિક કે સેમેસ્ટર મુજબ જ લેવાની રહેશે તથા કોઈપણ પ્રકારની બેંક ગેરંટી કે સિક્યોરિટી માગી શકાશે નહીં.કોઈપણ સંસ્થા પ્રવેશ કે અભ્યાસ ચાલુ રાખવા માટે હોસ્ટેલ કે ટ્રાન્સપોર્ટની સુવિધા લેવા માટે વિદ્યાર્થીને મજબૂર કરી શકશે નહીં, સંસ્થાઓએ પોતાની વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર આ ફી માળખું પ્રદર્શિત કરવાનું રહેશે.
