BOBની એપ અપડેટ કરાવ્યા બાદ ખાતામાંથી 90 હજાર ઉપડી ગયા:વડોદરાના વેપારીએ બેંકમાં મોબાઇલ એપ શરૂ કરાવ્યા બાદ 3 વખત ઓટોમેટિક સિસ્ટમ અપડેટ થઈ અને ખાતામાંથી રૂપિયા ગાયબ થઈ ગયા

📅 Published: October 1, 2026 | 📂 Category: gujarati-news

વડોદરાના ગોત્રી વિસ્તારમાં બેંકની મોબાઇલ એપ્લિકેશન અપડેટ કરાવ્યા બાદ વેપારીના બેંક ખાતામાંથી રૂ.90 હજારની ઓનલાઈન છેતરપિંડી થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેંક કર્મચારીના કહેવાથી મોબાઇલમાં BOBની એપ્લિકેશન શરૂ કરાવ્યા બાદ ફોનમાં ત્રણ વખત ઓટોમેટિક સિસ્ટમ અપડેટ થયું હતું. ત્યારબાદ થોડા સમય બાદ વેપારીના ખાતામાંથી રૂ.50 હજાર અને રૂ.40 હજાર એમ કુલ રૂ.90 હજાર બે અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને ભાયલી ખાતે સલૂનનો વ્યવસાય કરતા અજયકુમાર લિંબાચિયાએ આ અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા.24 સપ્ટેમ્બરના રોજ તેઓ ગોત્રી રોડ પર આવેલા સેન્ટા સ્ક્વેર સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં ગયા હતા. તેમના મોબાઇલમાં BOBની એપ્લિકેશન કામ કરતી ન હોવાથી તેમણે આ અંગે બેંક કર્મચારીને જાણ કરી હતી. બેંક કર્મચારીએ BOBની નવી એપ્લિકેશનનું વર્ઝન આવ્યું હોવાનું જણાવી મોબાઇલમાં એપ્લિકેશન શરૂ કરી આપી હતી. આ દરમિયાન વેપારીના મોબાઇલમાં ઓટોમેટિક સિસ્ટમ અપડેટ શરૂ થયું હતું. ફોનમાં ત્રણ વખત આશરે 25-25 મિનિટ સુધી સિસ્ટમ અપડેટ થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ વેપારી ભાયલી ખાતે મોબાઇલ લેવા ગયા હતા. ત્યાં પેમેન્ટ કરતી વખતે તેમણે બેંક ખાતામાં બેલેન્સ ચેક કરતાં માત્ર રૂ.945 બેલેન્સ હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેમણે ખાતાની વિગતો તપાસતાં તેમના ખાતામાંથી કુલ રૂ.90 હજાર ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન રૂ.50 હજાર રાહુલ યાદવના ખાતામાં, જ્યારે રૂ.40 હજાર મિસ્ત્રી ઓમપ્રકાશ અણુભાઈના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું હતું. બંને ટ્રાન્ઝેક્શન પોતે કર્યા ન હોવાનું વેપારીએ જણાવ્યું હતું. સમગ્ર મામલે વેપારીએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. લક્ષ્મીપુરા પોલીસે વેપારીની ફરિયાદના આધારે બંને ખાતાધારકો સામે તપાસ શરૂ કરી છે. આ રકમ કેવી રીતે ટ્રાન્સફર થઈ અને મોબાઇલ એપ્લિકેશન અપડેટ કરાવ્યા બાદ થયેલી સમગ્ર પ્રક્રિયામાં કોઈ છેતરપિંડી થઈ છે કે કેમ તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *