Ahmedabad: બ્રિજ તૂટે, તિરાડ પડે છતાં માનીતી કંપનીઓ પર જ મહેરબાની, AMCના શાસકોના ફિક્સ ખેલ સામે ગંભીર સવાલો

📅 Published: October 1, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ મહાનગરપાલિકાના બ્રિજ પ્રોજેક્ટ વિભાગની કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. બ્રિજની ડિઝાઇન હોય, પ્રોજેક્ટ મેનેજમેન્ટ હોય કે પછી બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી હોય, વારંવાર ગણતરીની જ કંપનીઓના નામ સામે આવતા હવે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉઠી રહ્યા છે. મનપાના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગ-અલગ કામગીરી માટે વારંવાર એક જ કંપનીઓને કામ આપવામાં આવતું હોવાની સ્થિતિ વચ્ચે સવાલ એ છે કે શું અમદાવાદમાં બ્રિજ સંબંધિત કામગીરી માટે અન્ય કન્સલ્ટન્સી કંપનીઓ ઉપલબ્ધ નથી? કે પછી ટેન્ડરની શરતો જ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે ગણતરીની કંપનીઓને જ તેનો લાભ મળે?

મકરબા બ્રિજમાં ડિઝાઇન એકને, PMC બીજી કંપનીને

મકરબા બ્રિજની વાત કરીએ તો બ્રિજની ડિઝાઇનની કામગીરી ડેલ્ફ કંપનીને સોંપવામાં આવી હતી, જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટની કામગીરી કસાડ કંપનીને આપવામાં આવી હતી. અહીંથી જ સવાલ ઊભો થાય છે કે બ્રિજના અલગ-અલગ કામોમાં વારંવાર એ જ કંપનીઓ કેમ સામે આવે છે?

હાટકેશ્વર બ્રિજમાં પણ ડેલ્ફનું નામ

શહેરના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજની ડિઝાઇનની કામગીરી પણ ડેલ્ફ કંપનીને સોંપવામાં આવી હતી. હાટકેશ્વર બ્રિજની કામગીરીને લઈને અગાઉથી જ ગંભીર સવાલો ઊભા થયા હતા. આ ઉપરાંત ડેલ્ફ કંપની સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે. તો સવાલ સીધો છે—જો કોઈ કંપની સામે અગાઉ કાર્યવાહી થઈ હોય તો ત્યારબાદ પણ તેને કામગીરી સોંપતી વખતે મનપા દ્વારા કયા માપદંડો અપનાવવામાં આવ્યા?

હેબતપુર બ્રિજમાં પણ એ જ કંપનીઓની એન્ટ્રી

હેબતપુર બ્રિજમાં પણ ક્ષતિઓ સામે આવી હતી. આ બ્રિજની ડિઝાઇનની કામગીરી કસાડને આપવામાં આવી હતી, જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટની જવાબદારી પંકજ એમ. પટેલને સોંપવામાં આવી હતી. સવાલ એ છે કે ડિઝાઇનથી લઈને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સુધી ફરી એક વખત ગણતરીની જ કંપનીઓની ભૂમિકા કેમ જોવા મળે છે?

69 બ્રિજના ઇન્સ્પેક્શનમાં પણ 2 કંપનીઓ

મામલો અહીં અટકતો નથી. શહેરના કુલ 69 બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી પણ ગણતરીની કંપનીઓને સોંપવામાં આવી હતી. તેમાંથી 35 બ્રિજનું ઇન્સ્પેક્શન પંકજ એમ. પટેલ પાસે કરાવવામાં આવ્યું હતું, જ્યારે 34 બ્રિજનું ઇન્સ્પેક્શન જીઓ ડિઝાઇન કંપનીને આપવામાં આવ્યું હતું. અર્થાત્ શહેરના 69 બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી મુખ્યત્વે માત્ર 2 કંપનીઓ વચ્ચે વહેંચાઈ હતી.

સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શને ખોલી પોલ?

સૌથી મોટો સવાલ સુભાષ બ્રિજને લઈને છે. આ બ્રિજનું અગાઉ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તેની સ્થિતિ સારી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ માત્ર 4 મહિનામાં બ્રિજમાં મોટી તિરાડ પડી ગઈ અને અંતે બ્રિજને તોડવાની નોબત આવી. આટલું જ નહીં, ઇન્સ્પેક્શન રિપોર્ટમાં બ્રિજની નીચેના બોક્સમાં ચામાચીડિયા હોવાના કારણે તપાસ કરી ન શકાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી છે. તો પછી સવાલ એ છે કે જે બ્રિજનું ઇન્સ્પેક્શન થઈ ચૂક્યું હતું તેની સ્થિતિ થોડા જ સમયમાં આટલી ગંભીર કેવી રીતે બની?

એક કંપની ડિઝાઇન કરે, બીજી PMC કરે, ત્રીજી ઇન્સ્પેક્શન કરે?

આ સમગ્ર મામલે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું બ્રિજની ડિઝાઇન, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઇન્સ્પેક્શન માટે અમદાવાદ મનપાને વારંવાર એ જ કંપનીઓ જ દેખાય છે? શું દેશમાં અન્ય નિષ્ણાત કંપનીઓ નથી? કે પછી ટેન્ડરની શરતો જ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે અન્ય કંપનીઓ સ્પર્ધામાં આવી ન શકે? અને જો આ કંપનીઓ દરેક પ્રકારના કામમાં નિષ્ણાત છે તો એક કંપની ડિઝાઇન, બીજી પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને એ જ અથવા બીજી કંપની બ્રિજ ઇન્સ્પેક્શન—આવી કામગીરીની વહેંચણી પાછળના માપદંડો શું છે?

હાટકેશ્વર વખતે પણ સવાલ, આજે પણ સવાલ

હાટકેશ્વર બ્રિજની કામગીરી જ્યારે સોંપાઈ ત્યારે એમ. થેન્નારસન ડેપ્યુટી કમિશનર પદે હતા. બાદમાં બ્રિજ તોડવાનો નિર્ણય થયો ત્યારે તેઓ અમદાવાદ મનપાના કમિશનર પદે હતા. બીજી તરફ હાલના મેયર હિતેશ બારોટ અગાઉ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. બ્રિજના કામકાજ અને મનપાની પ્રક્રિયાઓથી તેઓ પરિચિત હોવાની સ્થિતિમાં હવે સવાલ એ છે કે આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા માટે શું પગલાં લેવાશે? હાલના કમિશનર બંછાનિધી પાની સામે પણ સવાલ એ છે કે વારંવાર કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા બાદ કંપનીઓની કામગીરીની ઊંડાણપૂર્વક તપાસ અને જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા કેમ આગળ વધતી નથી?

આખરે કોની ભલામણથી ‘એ જ’ કંપનીઓ?

બ્રિજમાં ખામીઓ સામે આવે, ઇન્સ્પેક્શન સામે સવાલો ઊભા થાય, અગાઉની કામગીરી વિવાદમાં આવે છતાં ફરી એ જ કંપનીઓને કામ મળતું હોવાની સ્થિતિ હોય તો સવાલો સ્વાભાવિક છે. આખરે અમદાવાદના બ્રિજ પ્રોજેક્ટ વિભાગમાં ‘એ જ કંપનીઓ’ પર આટલો ભરોસો કેમ? તેમની કામગીરીનું સ્વતંત્ર મૂલ્યાંકન કેમ નથી થતું? ટેન્ડરની શરતોની સમીક્ષા કેમ નથી થતી? અને સૌથી મોટો સવાલ—જો કામગીરી સામે ગંભીર સવાલો છે તો કાર્યવાહી કરવામાં કોને વાંધો છે? હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ મનપા આ સવાલોના જવાબ આપશે કે પછી બ્રિજની તિરાડો સાથે આ સવાલો પણ દબાઈ જશે.  

આ પણ વાંચો  :    Flydubai ફ્લાઈટના ગુજરાતી કેપ્ટન સ્મિત મછારે ચાકૂના ઘા ઝીલીને પણ પ્લેનનો કંટ્રોલ ન છોડ્યો, વાંચો બહાદુરીની ગાથા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *