Navsari: પોલીસ કર્મચારીને જ 112નો કડવો અનુભવ, વારંવાર ફોન છતાં મદદ ન મળી, પરિચિત પોલીસકર્મીને ફોન કરવો પડ્યો

📅 Published: October 1, 2026 | 📂 Category: gujarati-news

નવસારી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરીને લઈને ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. સામાન્ય નાગરિકોને તાત્કાલિક પોલીસ મદદ પહોંચાડવા માટે કાર્યરત 112 ઇમરજન્સી સેવાનો ખુદ એક મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને કડવો અનુભવ થયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. મહિલા પોલીસકર્મીએ વારંવાર 112 પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેમને તાત્કાલિક મદદ મળી ન હોવાનો આક્ષેપ છે.

નશામાં ધૂત કારચાલકની બેફામ ડ્રાઇવિંગ, મહિલા ASI માંડ બચ્યાં

મળતી માહિતી મુજબ મહિલા ASIને એક કારચાલક નશાની હાલતમાં બેફામ રીતે વાહન ચલાવી રહ્યો હોવાની જાણ થઈ હતી. આ દરમિયાન કારચાલકે તેમને અડફેટે લેવાનો પ્રયાસ કરતાં મહિલા ASI માંડ બચ્યાં હતા. સ્થિતિ ગંભીર બની શકે તેવી આશંકાને પગલે તેમણે તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

વારંવાર 112 પર ફોન છતાં મદદ ન મળ્યાનો આક્ષેપ

મહિલા ASI દ્વારા 112ને વારંવાર ફોન કરવામાં આવ્યો હોવા છતાં ઘટનાસ્થળે તાત્કાલિક મદદ ન પહોંચી હોવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં સવાલ એ છે કે જ્યારે ખુદ પોલીસ કર્મચારીને જ ઇમરજન્સીની સ્થિતિમાં 112ની મદદ માટે વારંવાર સંપર્ક કરવો પડે અને છતાં મદદ ન મળે તો સામાન્ય નાગરિકોની સ્થિતિ શું હશે?

આખરે પરિચિત પોલીસકર્મીને કરવો પડ્યો ફોન

112 તરફથી તાત્કાલિક મદદ ન મળતાં મહિલા ASIએ આખરે પોતાના પરિચિત પોલીસ કર્મચારીનો સંપર્ક કર્યો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી આગળ વધી હતી.

નશામાં ધૂત કારચાલક સામે આખરે કાર્યવાહી

મહિલા ASIનો સંપર્ક થતાં નવસારી ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હતી. નશામાં ધૂત હોવાના આક્ષેપ ધરાવતા કારચાલકને પોલીસે પોલીસ મથકે લઈ જવાની કાર્યવાહી કરી હતી. મહિલા ASIનો પ્રયાસ માત્ર પોતાની સુરક્ષા પૂરતો નહોતો, પરંતુ બેફામ રીતે કાર ચલાવી રહેલો ચાલક આગળ કોઈ ગંભીર અકસ્માત ન સર્જે તે માટે પણ હતો.

પોલીસને જ 112ની મદદ ન મળે તો સામાન્ય લોકોનું શું?

આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ 112 ઇમરજન્સી સેવાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ખાસ કરીને ખુદ પોલીસ વિભાગના કર્મચારીને જ વારંવાર ફોન કરવા છતાં તાત્કાલિક મદદ ન મળતી હોવાનો આક્ષેપ હોય ત્યારે ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમની કાર્યક્ષમતા સામે પ્રશ્ન ઊભો થાય છે. હવે આ મામલે 112 તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર નજર રહેશે. 

આ પણ વાંચો    :   Flydubai : 174 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરના પરિવાર, સમાજ અને ‘મચ્છર’ અટક પાછળની રસપ્રદ કહાની


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *