નિરમા યુનિવર્સિટીના મેનેજમેન્ટ સામે વિદ્યાર્થીઓનો કાળાં કપડાં પહેરી વિરોધ

📅 Published: October 1, 2026 | 📂 Category: Ahmedabad

નિરમા યુનિવર્સિટીમાં એક પ્રોફેસરની ગુંડાગીરીની ઘટનાએ સમગ્ર કેમ્પસમાં ચકચાર મચાવી હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા સંપૂર્ણ મૌન ધારણ કરી લેવાયું હતું. જોકે, આ ઘટનાની શાહી હજુ સુકાઈ નહોતી અને વધુ એક ઘટનામાં એક યુવક વિદ્યાર્થિનીઓની હોસ્ટેલના બ્લોક સામે બીભત્સ હરકતો કરતો દેખાયો હતો. છતાં મેનેજમેન્ટે ગ્રીન નેટ લગાવી સંતોષ માનતાં વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. અંદાજે 1 હજારથી વધુ વિદ્યાર્થીઓએ કાળાં કપડાં અને પ્લેકાર્ડ સાથે આજે 1લી ઓક્ટોબરને ‘બ્લેક ડે’ તરીકે ઉજવી યુનિવર્સિટીને બાનમાં લીધી હતી.

યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલની સામે જ બની રહેલા નવા બિલ્ડિંગના કામ દરમિયાન એક શ્રમિક દ્વારા વિદ્યાર્થિનીઓ સામે કરવામાં આવેલી બીભત્સ હરકતોએ સમગ્ર શૈક્ષણિક જગતમાં હડકંપ મચાવી દીધો છે. આ ઘટના અંગે પીડિત વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હોવા છતાં પ્રશાસન દ્વારા કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. ઉલટાનું, સુરક્ષા સુધારવાને બદલે અમુક ગાર્ડ્સ દ્વારા વિદ્યાર્થિનીઓના પહેરવેશ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ બાબતે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ પર સૂત્રો લખીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, મહિલાઓના શરીર પર કાબૂ રાખવાનું બંધ કરો, અધિકાર જોઈએ, વિનંતી નહીં, પડદા લગાવવાથી હવસખોરો નહીં સુધરે, મહિલાઓ ફરતે દીવાલો ન બનાવો, અપરાધ કરનારાઓ સામે જવાબદારી નક્કી કરો અને સુરક્ષા માટે કોઈ ડ્રેસ કોડ નથી હોતો. તેમજ શ્રમિકની હરકતો પર પડદો પાડવા માટે હોસ્ટેલની આસપાસ માત્ર લીલા કલરની નેટ લગાવી દેવાની નીતિ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

કોલેજ પ્રશાસનની કડક કાર્યવાહીના ડરથી શરૂઆતમાં ખુલીને સામે ન આવી શકેલા વિદ્યાર્થીઓએ હવે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. સોશિયલ મીડિયા પર ખાસ પેજ બનાવીને યુનિવર્સિટીના આ અન્યાય સામે અવાજ બુલંદ કરવા માટે એક વિશાળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે અને યુનિવર્સિટી પ્રશાસનને જવાબદાર ઠેરવવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *