રાજકોટ શહેરમાં પવિત્ર ગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતી અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 9ની 14 વર્ષીય સગીર વિદ્યાર્થિનીને ગણિત વિષયમાં સારા માર્ક્સે પાસ કરાવવાની લાલચ આપી અને નાપાસ કરવાની ધમકી આપી શિક્ષકે હવસનો શિકાર બનાવી હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે આરોપી શિક્ષક વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો (POCSO) સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
ક્લાસરૂમમાં અડપલાં અને નાપાસ કરવાની ધમકી
મળતી વિગતો અનુસાર, રાજકોટની મધર ટેરેસા સરકારી સ્કૂલ નંબર 88માં ફરજ બજાવતો ગણિતનો શિક્ષક મોહિત ટાંક છેલ્લા કેટલાક સમયથી સ્કૂલની 14 વર્ષીય વિદ્યાર્થિની પર ખરાબ નજર રાખતો હતો. વિદ્યાર્થિની જ્યારે ક્લાસમાં એકલી હોય ત્યારે આ લંપટ શિક્ષક તેની સાથે અડપલાં કરતો હતો. વિદ્યાર્થિની જ્યારે તેનો વિરોધ કરતી ત્યારે શિક્ષક તેને ગણિતમાં સારા માર્ક્સ આપવાની લાલચ આપતો અને જો કોઈને વાત કરશે તો પરીક્ષામાં નાપાસ કરી દેવાની ખુલ્લી ધમકી આપતો હતો.
બુક ભૂલી જવાના બહાને ફ્લેટ પર બોલાવી દુષ્કર્મ આચર્યું
આરોપી શિક્ષકની હવસખોરી આટલેથી જ અટકી ન હતી. તારીખ 9 જાન્યુઆરી 2026ના રોજ આરોપી મોહિત ટાંકે પોતે પુસ્તક ભૂલી ગયો હોવાનું બહાનું કાઢ્યું હતું અને વિદ્યાર્થિનીને પોતાના ફ્લેટ પર લઈ ગયો હતો. ત્યાં નિર્જન સ્થળનો લાભ ઉઠાવી નરાધમ શિક્ષકે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ વિદ્યાર્થિની અત્યંત ભયભીત થઈ ગઈ હતી.
માતા સમક્ષ આપવીતી વર્ણવતા ભાંડો ફૂટ્યો
માનસિક આઘાતમાં સરી પડેલી સગીરાએ હિંમત ભેગી કરી સમગ્ર આપવીતી પોતાની માતાને જણાવી હતી. દીકરીની વાત સાંભળી પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. રાજકોટ તાલુકા પોલીસે ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે આરોપી શિક્ષક મોહિત ટાંક વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
