અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો એરિક ટ્રમ્પ અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સાથે જોડાયેલી પાવરસ કંપની પાકિસ્તાનમાં ડ્રોન ઉત્પાદન એકમ સ્થાપવા જઈ રહી છે. કંપનીએ આર્મી ચીફ આસિમ મુનીર સાથે મુરીમાં ગુપ્ત બેઠક કરી છે. ડ્રોન ઉત્પાદન માટે હરીપુર, રાવલપિંડી અને તક્ષશિલામાં ત્રણ સંભવિત સૈન્ય સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. અહીં આત્મઘાતી ડ્રોન બનાવવામાં આવશે. 16 સપ્ટેમ્બરે મુનીર અને પાવરસ વચ્ચે ડ્રોન આયાત અંગે સમજૂતીપત્ર (MOU) પર હસ્તાક્ષર થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્પાદનમાં પાકિસ્તાની સેનાનું ઇન્ટસ્ટ્રીયલ યૂનિટ પણ સામેલ થશે. યૂનિટનું સ્થળ નક્કી કરવા માટે પાકિસ્તાની ટીમ 15 ઑક્ટોબર પછી અમેરિકા જશે. ત્યારબાદ કરારની બાકીની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવશે. પાકિસ્તાની સેના હાલમાં ચીન અને તુર્કીથી ડ્રોનનો પુરવઠો મેળવી રહી છે. તુર્કી પણ પાકિસ્તાનમાં ડ્રોન ઉત્પાદન અંગે કરાર કર્યો છે. ટ્રમ્પના પુત્રોની રોકાણ કંપનીની 9.9% હિસ્સેદારી અલજઝીરા અનુસાર, ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ અમેરિકન વેન્ચર્સ દ્વારા પાવરસ કંપનીમાં રોકાણકાર છે. અમેરિકન નિયમનકારી ફાઇલિંગ અનુસાર, પાવરસના પ્રસ્તાવિત મર્જર બાદ અમેરિકન વેન્ચર્સ પાસે કંપનીમાં 9.9% લાભાર્થી હિસ્સેદારી હોવાની અપેક્ષા છે. ટ્રમ્પ જુનિયરના પ્રવક્તા અનુસાર, તેઓ માત્ર નિષ્ક્રિય રોકાણકાર છે અને કંપનીના કામકાજ અથવા કોન્ટ્રાક્ટમાં તેમની કોઈ ભૂમિકા નથી. પાકિસ્તાન પહેલાં ભારત સાથે પણ પાવરસનો કરાર પૉવરસનો પાકિસ્તાન પહેલાં ભારત સાથે પણ કરાર થયો હતો. 30 જૂનની ફાઇલિંગમાં પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીઝે જણાવ્યું કે પૉવરસે તેને ભારતમાં ગાર્ડિયન-1 ડ્રોન ઇન્ટરસેપ્ટર બનાવવાનું અને વેચવાનું વિશિષ્ટ લાઇસન્સ આપ્યું છે. એટલે કે પૉવરસની ડ્રોન ટેક્નોલોજી સાથે ભારત અને પાકિસ્તાન બંને જોડાયેલા છે. પાકિસ્તાને શું કરાર કર્યો છે? પૉવરસ મુજબ, પાકિસ્તાન સાથે થયેલું એમઓયુ અંતિમ કરાર નથી. તેનાથી ખરીદીની કોઈ ફરજિયાતતા ઊભી થતી નથી અને તે અમેરિકી કાયદાઓ તથા સરકારની મંજૂરીને આધીન છે. કંપનીએ પાકિસ્તાનમાં પોતાની ટેકનોલોજી બનાવવાની રીત પર કામ કરવાની વાત પણ કહી છે. 16 સપ્ટેમ્બરની બેઠકમાં સંરક્ષણ ખરીદી, ઉત્પાદન અને ક્ષમતા વધારવા અંગે ચર્ચા થઈ હતી. નિષ્ણાતે કહ્યું- ભારત માટે ખતરો, 4 સવાલોમાં સમજો કેવી રીતે પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસમાં કામ કરી ચૂકેલા ડિફેન્સ એક્સપર્ટ અવિનાશ મોહનાનીના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં બનનારા આ ડ્રોન ભારતની આંતરિક સુરક્ષા માટે પડકારરૂપ બની શકે છે. 1. ડ્રોન યુનિટથી આપણને શું ખતરો? અમેરિકા પાસેથી પાકિસ્તાનને મળતાં ઘણા હથિયારો આઈએસઆઈ મારફતે આતંકવાદીઓ સુધી પહોંચે છે. કાશ્મીરમાં એવા ઘણા કેસ છે, જેમાં આતંકવાદીઓના કબજામાંથી યુએસમાં બનેલાં હથિયારો મળી આવ્યાં છે. આ ડ્રોન આપણી આંતરિક સુરક્ષા માટે પડકારરૂપ બનશે. 2. પાકિસ્તાનમાં ઉત્પાદન શા માટે? પહેલાં પાકિસ્તાને અમેરિકા પાસેથી ડ્રોન આયાત કરવાના હતા, પરંતુ હવે ઉત્પાદન એટલા માટે થઈ રહ્યું છે કે ટ્રમ્પના પુત્રોની કંપની આ ડ્રોન પાકિસ્તાન મારફતે એશિયા અને આફ્રિકાના એવા દેશોને પણ વેચી શકશે, જેમને અમેરિકા સીધા હથિયારો આપતું નથી. 3. ચીનના પાકિસ્તાનને મંજૂરી આપવાનું કારણ શું? ચીનનું પાકિસ્તાનમાં સીપેકના રૂપમાં મોટું રોકાણ છે. સીપેક સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો લાભ મળી રહ્યો નથી. બલૂચિસ્તાન-ખૈબર વિસ્તારમાં ચીન ખનન કરી શકતું નથી. આવી સ્થિતિમાં મુનીરના કહેવા પર ચીને પાકિસ્તાનને આ ડીલની મંજૂરી આપી. 4. શું પાકિસ્તાનની ભૂમિકા વધશે? ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાના પાકિસ્તાન સાથે અનેક ક્ષેત્રોમાં કરાર વધ્યા છે. ઈરાન યુદ્ધમાં પણ અમેરિકાએ પાકિસ્તાનને મધ્યસ્થીની ભૂમિકા આપી હતી. ટ્રમ્પ પરિવારનો પાકિસ્તાનના ક્રિપ્ટોકરન્સી બિઝનેસમાં પણ હિસ્સો છે. અમેરિકા પાકિસ્તાનની ભૂમિકા વધુ વધારવા જઈ રહ્યું છે.
પાકિસ્તાનમાં ટ્રમ્પના પુત્રોની કંપની ડ્રોન યુનિટ સ્થાપશે:3 લશ્કરી સાઇટ્સ પસંદ કરાઈ; આર્મી ચીફ આસિમ મુનીર સાથે મુલાકાત બાદ ઉત્પાદનની તૈયારી
📅 Published: October 2, 2026 |
📂 Category: International
