અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને મૂકવા અને લેવા આવતા કોમર્શિયલ વાહનો માટે તા.1 ઓક્ટોબરથી નવા ચાર્જ લાગુ કરાયા છે. નવા દર મુજબ ડ્રોપ-ઓફ માટે રૂપિયા 50 અને પિક-અપ માટે રૂપિયા 200 ચૂકવવાના રહેશે. આ ચાર્જ કોમર્શિયલ પીળી નંબરપ્લેટવાળા વાહનોને લાગુ પડે છે. જેનો આર્થિક બોજ સીધો જ મુસાફરોના ખિસ્સા પર પડશે. આ ફેરફારથી વિવિધ કેબ સેવાઓના સંચાલન ખર્ચમાં સીધો જ વધારો થઈ જશે.
અગાઉ T2 નજીકનો વિસ્તાર ઉપયોગમાં લેવાતો હતો
આ ચાર્જ કેબ એગ્રીગેટરની એપમાં ભાડામાં સમાવાયા નથી તેથી ડ્રાઈવર દ્વારા મુસાફરો પાસેથી અલગથી વસૂલવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. જોકે, મુસાફર પાસેથી આ રકમ વસૂલવાની પ્રક્રિયા અંગે એરપોર્ટના સત્તાવાર ટેરિફમાં અલગથી કોઈ સ્પષ્ટ સૂચના આપવામાં આવી નથી.નવા ચાર્જ સાથે કોમર્શિયલ ટેક્સીઓ માટે નિયુક્ત પાર્કિંગ વિસ્તારમાં પણ ફેરફાર કરાયો છે. અગાઉ T2 નજીકનો વિસ્તાર ઉપયોગમાં લેવાતો હતો, જ્યારે હવે કોમર્શિયલ ટેક્સીઓ માટે એરપોર્ટ સર્કલ પાસે હોટેલ ઉમ્મેદ નજીકનો વિસ્તાર ઉપયોગમાં લેવામાં રહેશે.
પ્રથમ 8 મિનિટનો ચાર્જ 200 અનિવાર્ય
એરપોર્ટના નવા ટેરિફ મુજબ ટર્મિનલ 1ના ડિપાર્ચર-ડ્રોપ ઓફ માટે કોમર્શિયલ વાહનો 50 ડ્રોપ ઓફ-વિઝિટ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. T2 પર કોમર્શિયલ ફોર વ્હીલર માટે એરાઈવલ-પીકઅપના પ્રથમ 8 મિનિટનો ચાર્જ 200 અનિવાર્ય-ડ્રોપ ઓફ માટે રૂપિયા 50 છે. આ દરો 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે. મહત્વનું છે કે, એક ઓક્ટોબરથી શરૂ કરાયેલા પીકઅપ અને ડ્રોપિંગ ચાર્જની રકમનો ઉપયોગ અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને મળનારી વિવિધ પ્રકારની સુવિધા પાછળ વપરાશે.
