Surat: ગેરકાયદે કતલખાના સામે વિરાટ મહારેલી; જૈન-હિન્દુ સમાજે કલેક્ટર કચેરી ગજવી

📅 Published: October 2, 2026 | 📂 Category: Surat

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ખૂણે-ખૂણે ધમધમી રહેલા હજારો ગેરકાયદે કતલખાના અને અબોલ પશુઓની ખુલ્લેઆમ થતી હત્યાઓ સામે આજે સુરતના રાજમાર્ગો પર પ્રચંડ જનઆક્રોશ જોવા મળ્યો હતો. શહેરના જૈન સમાજ, હિન્દુ સમાજ તેમજ પૂજ્ય સાધુ-સંતોની આગેવાની હેઠળ હજારો લોકોએ એક થઈને સરગમ શોપિંગ સેન્ટરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી એક વિશાળ શાંતિપૂર્ણ મહારેલી યોજીને સરકાર અને પ્રશાસન સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો.

આપણો જીવ છે તો મૂંગા પશુઓનો પણ જીવ છે

રેલીમાં જોડાયેલા લોકોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે મૂંગા પ્રાણીઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરવા અપીલ કરી હતી. સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાત મહાત્મા ગાંધી અને મહાવીર સ્વામીની અહિંસાની ભૂમિ છે, ત્યાં અબોલ જીવોની સરેઆમ કતલ ચલાવી શકાય નહીં.આગેવાનોએ કહ્યું કે, અમારો ઉદ્દેશ માત્ર વિરોધ કરવાનો નથી પરંતુ આવા અબોલ જીવોની ઘાતકી કતલ કરનારા લોકોના હૃદયમાં પરિવર્તન આવે તે છે; તેઓ આવા પાપના કામો છોડી ધર્મ-ભક્તિના સાચા માર્ગે વળે અને પોતાના પરિવાર, સમાજ તેમજ દેશના હિતમાં સારા કાર્યો કરે.

સરકારી બાબુઓ સામે આકરા પ્રહારો, “માતાજીનો દોરો યાદ કરાવવા આવ્યા છીએ”

રેલી દરમિયાન જૈન સમાજના અગ્રણી અભિષેક શાહે કતલખાનાઓને મંજૂરી આપતા અધિકારીઓ સામે સણસણતો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “જે લોકો હાથમાં રક્ષાપોટલી કે માતાજીનો કાળો દોરો બાંધીને ફરે છે અને પછી જ્યારે ગેરકાયદે કતલખાનાઓની ફાઈલો કે નવી પરમિશન પાસ કરવાની હોય ત્યારે તેમને માતાજીનો દોરો નજરમાં કેમ નથી આવતો? આજે અમે તેમને એ જ દોરો યાદ કરાવવા માટે આવ્યા છીએ.”સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્પષ્ટ માંગણી મૂકી છે કે ગુજરાતભરમાં ચાલી રહેલા તમામ ગેરકાયદે કતલખાનાઓ પર તાત્કાલિક બુલડોઝર ફેરવી સીલ કરવામાં આવે અને નવા લાયસન્સ કે પરમિશન આપવાનું સદંતર બંધ કરવામાં આવે.

આ પણ વાંચો: Patan: ઉત્તર ગુજરાત સ્પોર્ટ્સમાં મોટો ગોટાળો; કબડ્ડી અને હોકીમાં પકડાયા નકલી પ્લેયર્સ, બે કોલેજ ડિસ્ક્વોલિફાય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *