સુરત મહાનગરપાલિકા અને શાસક પક્ષ દ્વારા નિર્મિત આવાસ યોજનાઓની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં નિર્માણ પામેલા ‘સુમન સહકાર’ આવાસ યોજનામાં અચાનક એક મકાનની બારીનું છજ્જું તૂટીને નીચે પટકાતાં સમગ્ર સંકુલમાં ભયનો માહોલ સર્જાયો હતો. માત્ર છ વર્ષ જેવા ટૂંકા ગાળામાં જ પાકા બાંધકામના દાવા પોકળ સાબિત થતાં સ્થાનિક રહીશોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ ફેલાયો છે. માત્ર છ વર્ષમાં જ ઇમારત જર્જરિત
આ ઘટના સંદર્ભે આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ સ્થળની સ્થિતિને લઈને શાસક ભાજપ પર ભ્રષ્ટાચારના સીધા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સરકારી આવાસોમાં હલકી કક્ષાની સામગ્રી વાપરવામાં આવી હોવાથી માત્ર છ વર્ષમાં જ ઇમારત જર્જરિત બનવા લાગી છે. અચાનક ભારે ભરખમ સિમેન્ટનું છજ્જું તૂટી પડતાં નીચે પાર્કિંગ અને ચાલવાના રસ્તે મોટો ધડાકો થયો હતો, જેનાથી આસપાસ રહેતા પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સદનસીબે જે સમયે આ દુર્ઘટના બની ત્યારે નીચેના ભાગમાં કોઈ નાગરિક કે બાળકો ઉપસ્થિત નહોતા, જેથી એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી. નિર્દોષ બાળકોને ગંભીર ઈજા થઈ હતો તો જવાબદારી કોણ લેત?
વિપુલ સુહાગીયાએ જણાવ્યું હતું કે, “જો તે સમયે ત્યાં નિર્દોષ બાળકો રમી રહ્યા હોત અને કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત, તો તેની નૈતિક અને કાયદાકીય જવાબદારી કોણ લેત?” તેમણે ઉમેર્યું કે ભાજપ સરકાર ગરીબ અને સામાન્ય જનતાને પાકું ઘર આપવાના માત્ર બણગાં ફૂંકે છે, પરંતુ વાસ્તવિકતામાં લોકોના જીવની કોઈ કિંમત રાખવામાં આવતી નથી. તમામ આવાસનું એજન્સી દ્વારા સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવે
સરકારી કામોમાં કમિશન અને ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ પરિવારો જોખમ હેઠળ જીવવા મજબૂર બન્યા હોવાનો દાવો કરતા તેમણે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પાસે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. સુહાગીયાએ માંગ કરી છે કે મોટા વરાછાના ‘સુમન સહકાર’ સહિત આ વિસ્તારની તમામ આવાસ યોજનાઓનું તાકીદે નિષ્પક્ષ એજન્સી દ્વારા સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવામાં આવે. આ સાથે જ નબળું કામ કરનાર બેદરકાર કોન્ટ્રાક્ટરો તેમજ તેમની સાથે સાંઠગાંઠ ધરાવતા જવાબદાર ઈજનેરો અને અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં આવે.
મોટા વરાછાના સુમન સહકાર આવાસમાં બારીનું છજ્જું ધરાશાયી:છ વર્ષ જૂની ઇમારતનું સિમેન્ટનું છજ્જું તૂટી પડતાં જાનહાનિ ટળી, આવાસોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવા માંગ
📅 Published: October 2, 2026 |
📂 Category: gujarati-news
