સુરતમાં 'નન્હી કિલકારી' અભિયાનનો પ્રારંભ:હાઈકોર્ટના જસ્ટિસ ગીતા ગોપીએ કહ્યું-'જેલમાં 18થી 24 વર્ષના યુવાઓ અપરિપક્વતાના કારણે કાયદાકીય જાળમાં ફસાયેલા છે'

📅 Published: October 2, 2026 | 📂 Category: gujarati-news

સુરત જિલ્લામાં બાળકો સામે થતા ગુનાઓ અટકાવવા અને પોક્સો એક્ટ અંગે વ્યાપક લોકજાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ‘નન્હી કિલકારી’ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અને પોક્સો એક્ટ નિરીક્ષણ સમિતિના સભ્ય જસ્ટિસ ગીતા ગોપીએ કરાવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સુરત મનપાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રોજેક્ટનો કાર્યક્રમ પી.ટી. સાયન્સ કોલેજના તારામતી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. યુવાનો અપરિપક્વતાના કારણે કાયદાકીય જાળમાં ફસાય છે: જસ્ટિસ ગીતા ગોપી
આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ ગીતા ગોપીએ બાળકોના શોષણ અને ગુનેગારોની માનસિકતા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કાયદાકીય જોગવાઈઓનું સખત પાલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “આજકાલ જેલમાં 18 થી 24 વર્ષની વય જૂથના યુવાનોની સંખ્યા મોટી છે, જેઓ ઘણીવાર અપરિપક્વતા કે પ્રેમ સંબંધોના પરિણામે કાયદાકીય જાળમાં ફસાઈ જાય છે.” વધુમાં તેમણે પીડોફિલિયા જેવી માનસિક વિકૃતિઓ પાછળ વૈજ્ઞાનિક અભ્યાસ અને સામાજિક જાગૃતિને અનિવાર્ય ગણાવી હતી. કાયદાની કલમ 29 અને 30 અંતર્ગત ‘રિવર્સ ઓનસ’ની જોગવાઈ હોવાથી આરોપીએ પોતે નિર્દોષ હોવાનું સાબિત કરવું પડે છે.હોસ્ટાઇલ કેસમાં પણ 164 ના નિવેદનોના આધારે પ્રક્રિયા હાથ ધરી શકાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. શાળાઓમાં એનિમેટેડ મૂવીઝ દ્વારા અપાશે ‘ગુડ ટચ-બેડ ટચ’નું જ્ઞાન
‘નન્હી કિલકારી’ પહેલ અંતર્ગત આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ન્યાયિક અધિકારીઓ, રિસોર્સ પર્સન અને પેરાલિગલ વોલેન્ટિયર્સ શાળાઓની મુલાકાત લેશે. તેઓ બાળકોને એકદમ સરળ ભાષામાં, ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો અને એનિમેટેડ મૂવીઝ દ્વારા પોક્સો એક્ટ, ‘ગુડ ટચ અને બેડ ટચ’ તેમજ બાળકો પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા અંગે સઘન માર્ગદર્શન પૂરું પાડશે. આ અભિયાનનો પ્રથમ કાર્યક્રમ 3 ઑક્ટોબરના રોજ લિંબાયતની સુમન હાઈસ્કૂલ નં. 7 ખાતે યોજાશે. ભયમુક્ત સમાજનું નિર્માણ જ સમયની માંગ: મુખ્ય જિલ્લા ન્યાયાધીશ
સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલ ત્રિવેદીએ આ અભિયાનને આવકારતા જણાવ્યું હતું કે, કાયદો પોતાનું કામ ચોક્કસ કરશે, પરંતુ જ્યાં સુધી સમાજ જાગૃત નહીં થાય ત્યાં સુધી બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત નહીં રહી શકે. તેમણે એક એવા ભયમુક્ત સમાજના નિર્માણની હાકલ કરી હતી જ્યાં દરેક બાળકનું બાળપણ સુરક્ષિત અને ખુશહાલ હોય. ત્રિવેદીએ પોલીસ સ્ટેશનોમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નર બનાવવા, વન સ્ટોપ સખી સેન્ટરનો વ્યાપ વધારવા અને પીડિતોના ઝડપી પુનર્વસન માટે તમામ વિભાગોને સાથે મળીને કામ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. બાળકોની વાત ગંભીરતાથી સાંભળો, હેલ્પલાઇન 1098નો ઉપયોગ કરો
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલે વાલીઓને અપીલ કરતા કહ્યું હતું કે, પોક્સોના મોટાભાગના કેસોમાં પીડિત બાળક આરોપીને અગાઉથી જ ઓળખતું હોય છે. બાળકો ડરના માર્યા ગુનાની વાત છુપાવતા હોય છે, ત્યારે વાલીઓએ બાળકોની વાત ગંભીરતાથી સાંભળવી જોઈએ અને તેમને દોષી ન ગણવા જોઈએ. કોઈપણ અઘટિત ઘટના સમયે તાત્કાલિક 112 અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર 1098 નો 24×7 સંપર્ક કરવા અનુરોધ કરાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને કાયદાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *