Surendranagar News: 37 કૂવાઓમાંથી ગેરકાયદે કાર્બોસેલ ખનન ઝડપાયું, 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

📅 Published: October 2, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલા કાર્બોસેલ ખનીજના ગેરકાયદે ખનનને ડામવા માટે ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ટીમે સંયુક્ત રીતે સપાટો બોલાવ્યો છે. બે અલગ-અલગ તાલુકાના વિવિધ વિસ્તારોમાં અચાનક દરોડા પાડીને મોટા પાયે ચાલતું ગેરકાયદે ખનન પકડી પાડવામાં આવ્યું છે.

સાયલાના ચોરવીરા અને ખાખરાળીમાં કડક કાર્યવાહી

આ સંયુક્ત ઓપરેશન દરમિયાન સાયલા તાલુકાના ચોરવીરા અને ખાખરાળી ગામે મોટાપાયે ગેરકાયદે ખનન ઝડપાયું હતું.

ચોરવીરા ગામ: અહીં તપાસ કરતા 11 કૂવાઓમાંથી ગેરકાયદે ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણમાં સાબડિયા લાલજીભાઈ ધનાભાઈ દ્વારા ખનન કરાવાતું હોવાનો ખુલાસો થયો છે અને પોલીસે આશરે રૂપિયા 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ખાખરાળી ગામ: ચોપાટ વિસ્તારમાં આવેલ 7 કૂવાઓમાંથી ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું, જેમાંથી બે ટ્રેક્ટર અને જનરેટર સહિત કુલ રૂપિયા 50 લાખની સામગ્રી કબજે કરવામાં આવી છે.

Surendranagar News: Joint Raid in Surendranagar Uncovers Illegal Carbocell Mining Worth Rs 1.10 Crore

થાનગઢના જામવાળી વિસ્તારમાં 20 કૂવાઓ પર રેડ

સાયલા ઉપરાંત થાનગઢ તાલુકાના જામવાળી ગામે પણ તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જામવાળી ગામે મુની દેવળ મંદિર પાછળના વિસ્તારમાં અંદાજે 20 કૂવાઓમાં ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન ચાલી રહ્યું હોવાનું માલૂમ પડ્યું હતું. આ સ્થળેથી પણ રૂપિયા 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્રણેય સ્થળો મળીને કુલ 37 કૂવાઓમાંથી ગેરકાયદે ખનન પકડીને કુલ આશરે રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

જીપીએસ કોર્ડિનેટ સાથે માપણી અને કાનૂની પગલાં

તંત્ર દ્વારા તમામ ગેરકાયદે ખનન સ્થળો પર જીપીએસ કોર્ડિનેટ સાથે સચોટ માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. માઇનર્સ એક્ટ-1957 હેઠળ કસૂરવાર ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધવાની સાથેસાથે ભારે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જેનાથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો: Surendranagar News: લખતરમાં ગાંધી જયંતી નિમિત્તે ગ્રામ સભા યોજાઈ, વિકાસના મુદ્દાઓ પર થઈ ચર્ચા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *