20
વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને તેને સંલગ્ન 30 વેપારી સંગઠનો દ્વારા આજે યુપીઆઇની રૂા.2000ની ચૂકવણી ઉપર 15મી ઓકટોબરથી લદાનારી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)0.4 ટકાના વિરોધમાં આજે NO UPI દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે વેપારીઓના યુપીઆઇથી નાણાં ન સ્વીકારવા અને માત્ર રોકડ કે ચેકથી સ્વીકારવાના એલાનને મિશ્ર પ્રત્યાઘાત મળ્યા હતા.
વડોદરા વેપાર વિકાસ એસો.ના અગ્રણીઓએ આજે રાવપુરા ખાતે દેખાવો પણ કર્યા હતા. વેપાર વિકાસ એસો.ના પ્રમુખ પરેશ પરીખે જણાવ્યું હતુંકે, રૂા.2000ની ચૂકવણી ઉપરાંત 0.40 ટકાની ફી નાના વેપારીઓને મુશ્કેલીમાં મુકી દેશે. ઓછા માર્જિનથી વેપાર કરતાં વેપારીઓને આ ફી માન્ય નથી. મંગળબજાર,નવા બજાર, હાથીખાનાના બરોડા ગ્રેઇન મર્ચન્ટ એસોના સભ્યો સહિત વિવિધ બજારના વેપારીઓ આ એલાનમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વેપારીઓએ તેમની દુકાનમાં યુપીઆઇના સ્કેનર ઉપર કાળો પડદો ઢાંકી દીધો હતો. બીજી તરફ શહેરમાં મોલ, મોટા શો રૂમો ખાતે યુપીઆઇથી ચૂકવણી ચાલુ રહી હતી. આમ વેપારીઓના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
વેપારીઓએ એવી માગણી કરી હતીકે, સરકાર રૂા.2000ની મર્યાદાને રૂા15 હજાર કે રૂા.25 હજાર ઉપરાંત કરીને વેપારીઓને દિવાળીની ભેટ આપે. સામી દિવાળીએ અમારી વાજબી માગણી સ્વીકારવી જોઇએ. યુપીઆઇ દ્વારા ડિજીટલ પેમેન્ટ ક્રાંતિ દેશમાં થઇ છે ત્યારે સરકારે વધુ ને વધુ લોકો આ ડિજીટલ પેમેન્ટ કરે તે માટે પ્રોત્સાહન આપવા જોઇએ. જો 15મી ઓકટોબર સુધીમાં માગણી ન સ્વીકારવામાં આવે તો બજારમાં એવી પરિસ્થિતિ સર્જાશે કે રોકડથી વ્યવહાર વધી જશે તેમજ વેપારીઓ તેમની ઉપરના આર્થિક બોજાને ગ્રાહકો ઉપર જ પસાર કરી દેશે. આમ સરકારને કરની આવકમાં અને નાગરિકોને ચીજ વસ્તુના વધુ ભાવ ચૂકવવાનો વારો આવશે.
