રાજકોટમાં રહેતી અને મોડેલિંગ કરતી 36 વર્ષીય યુવતીએ 25 સપ્ટેમ્બરે વડોદરાના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. જોકે ફરિયાદ પહેલા જ આરોપી પાર્થે 19 સપ્ટેમ્બરે દવાઓનો ઓવરડોઝ લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દુષ્કર્મની ફરિયાદ બાદ પાર્થની પત્નીએ વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં મોડેલ યુવતી સામે પતિને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાની અરજી આપી. જોકે તેની ફરિયાદ પોલીસે દાખલ ન કરતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે. હવે પાર્થનો પરિવાર યુવતી સામે દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ લેવાની માંગ કરી રહ્યો છે. આ વિવાદ અંગે જાણવા દિવ્ય ભાસ્કરે આત્મહત્યાનો પ્રયાસ કરનાર અને દુષ્કર્મના આરોપી તથા તેની પત્ની સાથે વાતચીત કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પાર્થે જણાવ્યું હતું કે, એ યુવતીને નવેમ્બર 2025થી ઓળખું છું. હું શાકભાજીની દલાલીનું કામ કરતો હતો, ત્યારે એ બહેન સાથે મુલાકાત થઈ હતી. એ બહેન મને છેલ્લા 6-7 મહિનાથી બ્લૅકમેઈલ કરે છે. મેં 10-15 વાર હિસાબ ઝીરો થઈ ગયો હોવાનું સમજાવ્યું અને પૈસા આપવાની ના પાડી, તો પણ તે મારી વાત માનવા તૈયાર નહોતા. તેઓ મને ધમકી આપતા હતા કે, મારો ભાઈ પોલીસમાં છે, કોઈ મારા પૈસા દબાવી ન શકે. આ બધા માનસિક ત્રાસ અને બ્લેકમેઇલિંગથી કંટાળી મેં આ પગલું ભર્યું હતું. ‘હું ભાનમાં નહોતો છતાં પોલીસ મારું સ્ટેટમેન્ટ લઈ ગઈ’
પોલીસ જ્યારે દવાખાનામાં મારૂં સ્ટેટમેન્ટ લેવા આવી ત્યારે હું ભાનમાં નહોતો. છતાં મારું સ્ટેટમેન્ટ લઈ ગયા હતા. મારે ફરી સ્ટેટમેન્ટ આપવું છે. મેં ક્યારેય કોઈ સ્ત્રી સામે ખરાબ નજરે જોયું નથી અને મારા પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે. મેં મારી પત્નીને પણ આ વિશે જાણ કરી હતી અને તે પોલીસ સ્ટેશન ગઈ હતી, પરંતુ FIR લીધી નહોતી. ‘એ છોકરી મારા પતિને માનસિક હેરાન કરી સતત પૈસાની માંગણી કરે છે’
પાર્થની પત્નીએ જણાવ્યું કે, એ છોકરી મારા પતિને માનસિક રીતે હેરાન કરી સતત પૈસાની માંગણી કરે છે. એટલું જ નહીં, તેણે અમારા ઘરના બધા માણસોને ફોન કરી કરીને હેરાન કર્યા છે અને બધાને અમારા વિશે ખરાબ-ખરાબ કહ્યું છે કે, અમે ગેંગ ચલાવીએ છીએ તથા લોકો પાસેથી ઉઘરાણી કરીને પૈસા વાપરીએ છીએ. જોકે હકીકતમાં એવું કંઈ નથી. સાચી વાત એ છે કે મારા પતિ શાકભાજીનો વેપાર કરે છે અને તેના સંદર્ભમાં સંપર્ક થયા હતા, જેના પૈસા તે માગી રહી છે. મારા પતિએ તેની સાથે કોઈ જ દુષ્કૃત્ય કર્યું નથી. એ યુવતીના સતત માનસિક દબાણથી કંટાળીને મારા પતિએ દવાઓનો ઓવરડોઝ લઈ સુસાઈડ એટેમ્પ્ટ કર્યો હતો. આ અંગે અમને 21 સપ્ટેમ્બરે ખબર પડી. સ્થિતિ ગંભીર બનતાં ICUમાં દાખલ કરવા પડ્યા છે. આમ છતાં, તે શાંત નથી રહી અને ખોટે ખોટા પૈસા માગી રહી છે અને 25 સપ્ટેમ્બરે રાજકોટમાં ફરિયાદ નોંધાઈ તે પહેલાં 24 સપ્ટેમ્બર સુધી તેના સતત ફોન-મેસેજ અને ધમકીઓ આવ્યા છે. તે પોતાના ભાઈ જે પોલીસમાં છે, તેના મારફતે પતાવી દેવાની ધમકી આપે છે. ‘અમારી FIR નોંધવાની ના પાડી દેવામાં આવી’
અત્યારે પણ મારા પતિ ICUમાં છે. 21 સપ્ટેમ્બર પછી સતત એકાદ દિવસના અંતરે તેનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે, કિડની અને ફેફસાં પર અસર થઈ છે તથા યુરિન પાસ થતું નથી. અમે સુસાઈડ એટેમ્પ્ટ અંગે રવિવારે પોલીસમાં અરજી આપી હતી, પરંતુ બાદમાં પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર પાસે રજૂઆત કરવા છતાં સામે પક્ષે FIR કરી હોવાનું કહી અમારી FIR નોંધવાની ના પાડી દેવામાં આવી છે. અત્યારે અમારા પરિવાર પર ભારે આફત આવી પડી છે. ઘરમાં બધા બીમાર છે. સસરાને ડાયાબિટીસ છે અને સાસુને હાથ-પગ અને કમરના ઓપરેશન કરાવેલા હોવાથી તેઓ પથારીવશ છે. હું નાની દીકરીને તાવમાં મૂકીને એકલી દવાખાને અને બધી જગ્યાએ દોડધામ કરી રહી છું. અમારી માંગણી છે કે અમારી FIR નોંધવામાં આવે અથવા તો તે સ્ત્રી પોતાનો ખોટો કેસ પાછો ખેંચી લે જેથી આ નાની બાળકીની જિંદગી બગાડતી અટકે. ‘માર્ચથી તે મારા પતિની પાછળ પડી છે’
માર્ચથી તે મારા પતિની પાછળ પડી છે. મારા પતિને બહુ જ બ્લૅકમેઈલ કર્યા છે. તેણે હેન્ડબેગ લીધા છે, કપડાં માંગ્યા છે અને પોતાની બહેનનું ઘર ટ્રાન્સફર કરવાનું હતું તેના પૈસા પણ મારા પતિ પાસેથી લીધા છે. પોતાના ઘરે જે પણ કામ કરાવ્યું, અમુક દાગીના લેવડાવ્યા અને બીજો બહુ જ ખર્ચો કરાવ્યો છે. કોસ્મેટિક કંપનીમાંથી પણ ઓનલાઇન ઓર્ડર કરાવ્યા છે. ‘બ્લેકમેઇલ કરી 7.40 લાખનો ખોટો ચેક બેંકમાં નંખાવ્યો’
આટલા ખર્ચા કરાવ્યા પછી પણ તેને સંતોષ ન થયો તો તેણે બ્લેકમેલિંગ કરીને મારા પતિ પાસેથી 7,40,000નો ખોટો ચેક બેંકમાં નંખાવ્યો છે અને ‘સ્ટોપ પેમેન્ટ’ થયા પછી પણ તે પૈસા પાછા માગી રહી છે. મારા પતિએ તેની સાથે ક્યારેય કોઈ દુષ્કૃત્ય કર્યું જ નથી, કારણ કે તેઓ તેને ક્યારેય એકલામાં મળ્યા જ નથી. જો મળ્યા હશે તો પણ જ્યાં ઈવેન્ટમાં સાથે કામ કરતા હોય તેવા પબ્લિક પ્લેસ પર જ મળ્યા છે, તે સિવાય ક્યારેય એકલામાં નથી મળ્યા. કારણ કે તેઓ એકલામાં મળે તો મારા પતિ મને બધી વાત કહી જ દે છે, જો તે એવું કહેતી હોય કે માર્ચ મહિનામાં તેની સાથે દુષ્કૃત્ય થયું છે, તો અત્યારે સપ્ટેમ્બર મહિનો આવ્યો. આટલું બધું થયા પછી અથવા દુષ્કૃત્ય થયા પછી કોઈ માણસ સપ્ટેમ્બર મહિના સુધી શું કરવા બેસી રહે? તેણે તો તરત જ જવું જોઈએ ને. એટલે આ જે કંઈ પણ તે કરી રહી છે, તે અમને લોકોને પૂરેપૂરા ફસાવવા માટે જ કરી રહી છે. ડાઇંગ ડિક્લેરેશન વખતે પાર્થે પોતે નિવેદન આપ્યું હતું: PI
આ મામલે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એન બારૈયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં લેવાયેલા ડાઇંગ ડિક્લેરેશન વખતે પાર્થે પોતે નિવેદન આપ્યું હતું કે, તેઓ જથ્થાબંધ મટિરિયલના વેપારી છે અને ધંધામાં મોટું નુકસાન થવાથી દવા પી લીધી હતી. મોડલે નોંધાવેલી દુષ્કર્મની FIRમાં શું શું લખાવ્યું?
ઉલ્લેખનીય છે કે, યુવતીએ દુષ્કર્મની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પરિવારે લગ્ન માટે ચાર વર્ષ અગાઉ મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી, જેના પર એક વર્ષ પહેલાં પાર્થની રિક્વેસ્ટ આવી હતી. પાર્થે પોતે અપરિણીત હોવાનું, પાર્ક ફ્રેશ કોલ્ડ સ્ટોરેજ અને પાર્ક સ્પેસ ગ્રુપમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. યુવતીએ પોતે અનુસૂચિત સમાજમાંથી આવતી હોવાની સ્પષ્ટતા કરતાં પાર્થે પરિવારને કોઈ જ્ઞાતિબાધ ન હોવાની ખાતરી આપી હતી. ત્યારબાદ તે અવારનવાર રાજકોટ આવતો અને શૂટિંગ હોય ત્યારે કારમાં અમદાવાદ લઈ જતો હતો. ગત 21 માર્ચે શૂટિંગ પૂર્ણ થયા બાદ મોડું થઈ ગયું હોવાનું કહી શાપરની ‘લોર્ડ્સ ઇકો ઇન’ હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ યુવતીએ પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવતાં 11 ઓગસ્ટે પાર્થ વાપી ગયો હતો અને ત્યાં પણ માતા-પિતા સમક્ષ લગ્ન કરવાની બાંહેધરી આપી હતી. “આજે આપણે લગ્ન કરવાના છે” તેમ કહી યુવતીને પોતાની સાથે વડોદરા લઈ ગયો હતો. ત્યાં તેણે 100ના સ્ટેમ્પ પેપર પર લગ્નનું સોગંદનામું કરાવ્યું હતું અને “હાલ આપણે રજિસ્ટર મેરેજ કરી લઈએ, પછી ધામધૂમથી સામાજિક લગ્ન કરીશું” તેમ કહી વોટ્સએપ પર લગ્નનું પ્રમાણપત્ર મોકલ્યું હતું, જે બોગસ હોવાની શંકા છે. આ સોગંદનામાની આડમાં આરોપી અલગ-અલગ સ્થળોએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો અને અંગત પળોના ફોટો-વીડિયો પણ ઉતારી લીધા હતા. જ્યારે યુવતીએ સામાજિક રીત રિવાજ મુજબ વિધિવત લગ્નની તારીખ નક્કી કરવા દબાણ કર્યું ત્યારે આરોપી વારંવાર બહાના કાઢવા લાગ્યો હતો. આખરે પાર્થે રંગ બદલતાં કહ્યું કે, “મારા ઘરના લોકોને ઘરમાં અનુસૂચિત સમાજની દીકરી આવે તે મંજૂર નથી.” જૂનો વાયદો યાદ કરાવતાં તેણે જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી સંબંધ તોડી નાખ્યો હતો. યુવતીએ આરોપીના પિતા વિજયભાઈનો સંપર્ક કરતાં તેમણે પણ “પાર્થ આઈસીયુમાં એડમિટ છે, હવે અહીં ફોન કરવો નહીં” કહી ફોન કાપી નાખ્યો હતો.
યુવતીએ પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપતાં પાર્થે ધમકી આપી કે, “જો પોલીસ ફરિયાદ કરી તો તારા અને મારા અંગત પળોના ફોટા-વીડિયો વાઇરલ કરીશ.” અંતે પીડિતાએ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, એટ્રોસિટી અને ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
