'ચૂંટણી આવી એટલે નેતાઓ વોટ લેવા આવી જશે',VIDEO:ગાંધીનગરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના વોર્ડમાં પાણી-ગટર, રોડની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ, રણજીતભાઈએ કહ્યું-ભાજપ સરકારે બધું છીનવું લીધું

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે. જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ચૂંટણીનો માહોલ હાલ બરાબરનો જામ્યો છે. ખુદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના વોર્ડ-6માં સમાવિષ્ટ ફતેપુરા, સેક્ટર 13 સેવા વસ્તી ઝૂંપડપટ્ટી તેમજ ગોકુળપુરા વિસ્તારના રહીશો વર્ષોથી શહેર જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. આ વિસ્તારના મતદારો રોડ, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઈટો અને શુદ્ધ પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે ગ્રાઉંડ પર જઈ રિયાલિટી ચેક કરતા સ્માર્ટ સિટીના વિસ્તારો સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન હોય એવું જાણવા મળ્યું છે. ‘ચૂંટણી આવી એટલે આ નેતાઓ વોટ લેવા આવી જશે’
મનપાના વોર્ડ-6માં સમાવિષ્ટ ફતેપુરાના સ્થાનિક રેખાબેન ઠાકોરે કહ્યું કે, ગામમાં પહેલી તો પાણીની સુવિધા જ નથી. પાણીમાંથી દુર્ગંધ આવે અથવા ગંદું આવે, પીવાનું કેમનું? ચૂંટણી આવી એટલે આ નેતાઓ વોટ લેવા આવી જશે. અમારા ગામનો રોડ પણ સારો નથી. ચોમાસામાં પાણી પાણી થઈ જાય છે. અહીં થાંભલા ખાલી લગાવવા માટે લગાયા, બાકી લાઈટ ચાલુ થતી નથી. એમાં એમનું બિલ આવતું હોય ને એ રીતે લાઈટ કરતાં જ નથી ચાલુ. અને વોટ લેવા આવી જશે કે વોટ આપો વોટ આપો. વોટ લઈ જશે પછી જતા રહેશે કશું કરવા આવવાનું નહીં. ગટર પણ વારંવાર ગટર ઉભરાય. ખાલી વોટ માંગવા આવવાનું બાકી કઈ જ નહીં. ‘આ ભાજપ સરકારે બધું જ છીનવી જ લીધું છે’
સ્થાનિક રણજીત ઠાકોરે કહ્યું, ફતેહપુરામાં સરકારે અમારા ગામની સ્કૂલ તોડી જ નાખી. 1970માં જે સ્કૂલ સારી બની હતી એના કરતા એ બત્તર જિંદગી કરી નાખી છે. છોકરાના ભવિષ્ય જોડે ચેડા કરી ટેનામેન્ટ ટાઈપની અત્યારે સુવિધા આપવાની વાત ચાલે છે પણ એ સુવિધા અમારે જોઈતી નથી. આ ભાજપ સરકારે બધું જ છીનવી જ લીધું છે અને છોકરાના ભવિષ્ય સાથે ચેડા જ કરી છે. ‘સરકારમાં ખાલી ચોપડા પર કામ બતાવે, વિકાસ કાર્યો કર્યાં નથી’
વધુમાં રણજીત ઠાકોરે જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફતેહપુરામાં આવે છે છતાંય આ ગૌરંગ વ્યાસે કોઈ કાર્ય કર્યું નથી. સ્કૂલમાં શું ચાલે કઈ રીતની સ્કૂલ બનાવી એ જ હજુ એને ખબર નથી પડી. આજે છેલ્લા ત્રણ મહિનાથી રજૂઆતો આપી છતાંય આ સરકાર અમારું સાંભળતી નથી. બીજેપી સરકાર એવી છે કે જે કામગીરી ખાલી ચોપડા ઉપર બતાવે છે ગામનું કોઈ વિકાસ કાર્ય કર્યું નથી. અમારા પ્રોપર્ટી કાર્ડ આપ્યા નથી. કોઈ જાતની તકલીફ ના પડે માલિકી હક મળે કોઈને કેસ થાય તો કાર્ડ ઉપર છૂટી પણ શકાય છે. આ વખતે અમે કોઈ વોટ આપવા અમે જવાના નથી. કારણ કે કોઈ કોર્પોરેટરે પાંચ વર્ષની અંદર આવીને કોઈ દિવસ અમારા ગામમાં કામ કર્યું નથી. ‘આંગણવાડીના બાળકોને ચોમાસામાં તકલીફ પડે છે’
તો ફતેપુરા આંગણવાડીના કાર્યકર જયશ્રીબેન સુરતીએ કહ્યુ કે, આંગણવાડીમાં તકલીફો પડી રહી છે કારણ કે નાની છે. એમાં 30થી 35 બાળકો બેસાડવાના- જમાડવાનું, અનાજના પેકેટો એ ક્યાં મૂકવા? ટોયલેટ બંધ છે. ચોમાસામાં બહુ જ તકલીફ પડે છે, જેવા એન્ટર થઈએ એવા જ પાણી ઓટલા ઉપર પડે છે, એટલે બાળકોને અંદર જવાની તકલીફ પડી જાય છે. ‘આ વિસ્તારમાં કોર્પોરેટરો કોઈ નથી આવતા’
એ જ રીતે સેકટર 13 સેવા વસ્તીના સ્થાનિક મગનભાઈ પરમારે કહ્યું કે, હાઈકોર્ટથી ચાર વર્ષ થયાં કેસ લડીને આવ્યો છું મકાન માટે. પરંતુ હજી સુધી કોઈ જવાબ દેતા નથી. શૌચાલય કોઈને છે નહીં, પ્રોબ્લેમ એ છે મેઇન. સુવિધામાં કાંઈ પણ આ લોકોએ કર્યું નથી. એમ કહે છે કે દબાણ આવે તો અમે ઝૂંપડા પાડી દેવાના છીએ. હવે હાઈકોર્ટ લડીને આવેલો છું તો એના હિસાબે પડી રહ્યું છે. હાઈકોર્ટનો ઓર્ડર એવો છે કે આ લોકોને જ્યાં સુધી મકાન કે જમીન આપો નહીં ત્યાં સુધી એક પણ ઝૂંપડું પાડવાનું નથી. આ વિસ્તારમાં કોર્પોરેટરો કોઈ નથી આવતા. અહીં બધા નવા નવા પ્રમુખ થયા છે તે એમની રીતે કરે છે બધું ઝૂંપડપટ્ટી વાળાને ભોળવી ભોળવીને. લાવો આટલા પૈસા અમે મકાનનું કરી દઈશું કોઈ પછી સામુ જોતું નથી. ‘ગોકુલપુરા વસાહતના લોકોને હજુ સનદ નથી મળી’
ગોકુલપુરા વસાહતના પ્રમુખ જી.કે.દેસાઈએ કહ્યુ કે, ગોકુલપુરામાં રોડ-રસ્તા ગટરોની સમસ્યાઓ યથાવત છે. ખાસ કરી અમને સનદ હજી અપાઈ નથી. 1976માં ભાડાપટ્ટો આપ્યો 726 રૂપિયા ભરીને, 120 પહોંચો ભરેલી. 404 પ્લોટ મંજૂર થયેલા. સરકારના લોચાના કારણે કંઈક પૈસા ભરવાના ગયા. એમાં એક બે અધિકારી સસ્પેન્ડ પણ થયેલા. એ પછી ફોટોગ્રાફી કરાઈ. ફોટોગ્રાફીમાં દરેક ઘર આગળ ઊભા રાખી અને દરેક વ્યક્તિઓના ફોટા પાડેલા છે. તોય હજી સનદ નથી મળી. ‘ચૂંટણી આવી છે એટલે બધા મત માંગવા નીકળી પડ્યા’
આ અંગે વોર્ડ નંબર 6 કોંગ્રેસના 27 વર્ષીય યુવા ઉમેદવાર કર્મજીતસિંહ અજિતસિંહ વાઘેલાએ કહ્યું કે, છેલ્લા 5 વર્ષથી ભાજપના કોર્પોરેટરો હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા. તો પણ અહીંયા સ્ટ્રીટ લાઈટ, ગટરો અને રસ્તાની સમસ્યા ઠેરની ઠેર છે. સેક્ટર 15માં તો વરસાદની સિઝનમાં સ્કૂલમાં વિધાર્થીઓ જઈ શકતા નથી. ગટરો ઉભરાવાથી ગોકુલપુરામાં એક એક મહિના સુધી બહાર નથી નીકળી શકાતું. અહીં પાંચ વર્ષ સુધી કોઈ જોવા આવ્યું નથી. હવે ચૂંટણી આવી છે એટલે બધા મત માંગવા નીકળી પડ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *