Vadodara: કરજણમાં પંપ પર સીએનજી ભરતાં જ સિલિન્ડર બ્લાસ્ટ; અન્ય બે વાહનોના કાચ તૂટ્યા

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

નેશનલ હાઈવે 48 પર કરજણ નજીક એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. હાઈવે પર આવેલી જિંદાલ કંપની સામેના પેટ્રોલ-સીએનજી પંપ પર ગેસ રિફિલિંગ દરમિયાન એક કારમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો અને પંપ પર હાજર વાહનચાલકો તેમજ કર્મચારીઓમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.

ગેસ પુરાવતી વેળાએ જ અચાનક વિસ્ફોટ

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, એક કારચાલક પોતાની સીએનજી ગાડીમાં ગેસ પુરાવવા માટે જિંદાલ કંપની પાસે આવેલા પંપ પર ઊભો હતો. કર્મચારી જ્યારે નોઝલ લગાવીને ગેસ ભરી રહ્યો હતો, ત્યારે અચાનક કોઈ અગમ્ય ટેકનિકલ ખામી કે અતિશય પ્રેશરને કારણે કારમાં સીએનજી ટેન્ક ધડાકાભેર ફાટી હતી.વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કારના પતરાં અને કાચ દૂર-દૂર સુધી ઊડીને પડ્યા હતા. આ ધડાકાની ઝપેટમાં આવી જતાં બાજુમાં ઊભેલી અન્ય બે કારોને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું.

 ફાયર વિભાગ તાબડતોબ દોડી આવ્યું

નિયમ મુજબ સીએનજી પુરાવતી વખતે મુસાફરો કારની બહાર ઊભા હોવાને કારણે ચમત્કારિક રીતે કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, જેને પગલે સૌએ રાહતનો દમ લીધો છે.ધડાકાની માહિતી મળતાં જ કરજણ ફાયર ફાઈટરની ટીમ સાયરન વગાડતી ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ કોઈ આગ કે કેમિકલ સ્પાર્ક ન થાય તે માટે તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા. હાઈવે પોલીસે પણ સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવી પંપ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે.

 આ પણ વાંચો: Asian Games 2026 : 44 વર્ષ બાદ ભારતની મહિલા હોકી ટીમે ચીનને હરાવી ગોલ્ડ જીત્યો



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *