ભરૂચ રેલવે પોલીસે ગાંધી જયંતિ નિમિત્તે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા 17 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરાયા. આ ફોનની કુલ કિંમત 3,09,781 રૂપિયા છે. પશ્ચિમ રેલવે હેઠળના સ્ટેશનો પર મુસાફરોની ચીજવસ્તુઓની ચોરી કે ગુમ થતી ઘટનાઓ રોકવા ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હતી. ‘મિશન સેફ સ્ટેશન’ને અસરકારક બનાવવા પણ પોલીસને જણાવાયું હતું. આ સૂચનાના આધારે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈ અને એસ.કે. રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પેટ્રોલિંગ વધાર્યું. તેમણે ગુમ થયેલા સામાનની શોધખોળ શરૂ કરી હતી. નોંધાયેલી અરજીઓના આધારે ગુમ થયેલા મોબાઈલ ફોનના IMEI નંબર CEIR પોર્ટલ પર તપાસવામાં આવ્યા. કોલ ડિટેઈલ્સ અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસે 17 ફોન શોધી કાઢ્યા. પોલીસે રિકવર કરેલા તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા. ભરૂચ GRPની આ કામગીરીથી મોબાઈલ ગુમાવનારા અરજદારોને રાહત મળી છે.
ભરૂચ GRPએ CEIR પોર્ટલથી ગુમ થયેલા 17 મોબાઈલ શોધી કાઢ્યા:રૂ.3.09 લાખના ફોન મૂળ માલિકોને પરત કર્યા, ગાંધી જયંતિએ યોજાયો કાર્યક્રમ
📅 Published: October 3, 2026 |
📂 Category: gujarati-news
