Surat News : જેલ છે કે રંગેચંગે ચાલતી મોજશોખની દુકાન? લાજપોર જેલમાંથી ફરી મળ્યા મોબાઈલ ફોન અને પછી…

📅 Published: October 3, 2026 | 📂 Category: Crime

સુરત શહેરની અતિ આધુનિક અને ‘હાઇટેક’ ગણાતી લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. જેલ તંત્રની ઘોર બેદરકારીનો પર્દાફાશ કરતાં ગત રાત્રે વિજિલન્સની ટીમે અચાનક જેલ પરિસરમાં દરોડો પાડી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગત રાત્રે આશરે 8 વાગ્યાથી શરૂ થયેલી આ તપાસ સળંગ અઢીથી ત્રણ કલાક સુધી ચાલી હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન કેદીઓની બેરેકમાંથી જે ચોંકાવનારો સામગ્રી જથ્થો મળી આવ્યો તેનાથી આખા જેલ પ્રશાસનમાં ભારે સનાટો છવાઈ ગયો છે.

11 મોબાઈલ, 10 સીમકાર્ડ અને 3 ચાર્જર જપ્ત

વિજિલન્સની ટુકડી દ્વારા હાથ ધરવામાં આવેલી આકરી તપાસ દરમિયાન કેદીઓ પાસેથી 11 જેટલા મોબાઈલ ફોન, 10 સીમકાર્ડ અને 3 ચાર્જર મળી આવ્યા હતા. જેલમાં બેસીને કેદીઓ દ્વારા અંદરથી જ નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની આ ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક અસરથી સચિન પોલીસ સ્ટેશન ખાતે આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લાજપોર જેલમાંથી કેદીઓ પાસેથી અવારનવાર મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ બનેલી છે, તેમ છતાં જેલ સિક્યોરિટીમાં કોઈ સુધારો ન થતાં સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે.

તંત્રની ગંભીર બેદરકારી ખુલ્લી પડી

લાજપોર જેલને અત્યાધુનિક સીસીટીવી કેમેરા, સ્કેનર અને કડક સુરક્ષા બંદોબસ્તથી સજ્જ ગણવામાં આવે છે. આમ છતાં જેલની અંદર 11 જેટલા મોબાઈલ અને સીમકાર્ડ કઈ રીતે ઘૂસ્યા તે મુદ્દો હવે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. શું જેલના જ કોઈ કર્મચારી કે અધિકારીની મિલીભગતથી આ કાળો કારોબાર ચાલી રહ્યો હતો? વિજિલન્સની તપાસ બાદ હવે સચિન પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને જેલ તંત્રના જવાબદારો સુધી તપાસનો દોર લંબાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : 6 મહિનાથી વિદ્યાર્થિનીને પરેશાન કરતો કોમ્પ્યુટર શિક્ષક પકડાયો, નકલી IDથી મોકલતો હતો અશ્લીલ મેસેજ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *