સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ દરમિયાન એક અત્યંત સંવેદનશીલ અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. એપ્રન એરિયાના સ્ટાફ ગેટ પાસે કામગીરી કરી રહેલા ‘સ્ટ્રીમહાઉસ’ કંપનીના કર્મચારી મનોજભાઈ પવારને અચાનક ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હૃદયનો હુમલો આવતા જ તેઓ કોઈ પણ પ્રતિભાવ આપ્યા વગર સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાઈ ગયો હતો.
CISF જવાનની ઝડપી કાર્યવાહી અને CPR
ઘટના સમયે પ્રોફાઇલિંગ ડ્યુટી પર તહેનાત CISFના હેડ કોન્સ્ટેબલ ચૌધરી સંજય કુમારે પરિસ્થિતિની ગંભીરતા તુરંત પારખી લીધી હતી. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તેઓ તાત્કાલિક દર્દી પાસે દોડી ગયા હતા. જવાને પોતાની તાલીમનો ઉપયોગ કરીને તાબડતોબ CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપવાનું શરૂ કર્યું હતું. તેમની સતત મહેનત અને સાથી જવાનોના સહયોગથી કર્મચારીના થંભી ગયેલા ધબકારા પુનઃ શરૂ થયા હતા અને તેમની હાલત સ્થિર થતા વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

CCTVમાં કેદ થઈ જવાનની બહાદુરી
આ સમગ્ર જીવ બચાવવાની પ્રક્રિયા એરપોર્ટ પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જવાનની ત્વરિત નિર્ણયશક્તિ, નિષ્ઠા અને માનવતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. જવાનની આ સમયસૂચકતા અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાની કુશળતાના કારણે જ મનોજભાઈનો કિંમતી જીવ બચી શક્યો હતો. એરપોર્ટ સત્તામંડળ તથા સ્થાનિક લોકો દ્વારા CISF જવાન ચૌધરી સંજય કુમારની આ કામગીરીની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.
