રાજકોટ ડિવિઝનના જામનગર રેલવે સ્ટેશન પર RPF (રેલવે સુરક્ષા દળ)ના જવાનની સતર્કતાથી એક મુસાફરનો જીવ બચી ગયો હતો. 3 ઑક્ટોબરના રાજકોટ–ઓખા પેસેન્જર ટ્રેન (નં. 59551) જામનગર સ્ટેશન પર હતી ત્યારે એક વૃધ્ધ મુસાફર ટ્રેનમાંથી પાણી લેવા નીચે ઉતર્યા ત્યાં ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. જેથી વૃધ્ધ દોડીને ટ્રેનમાં ચડવા જતા ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા. જોકે તે સમયે RPF ના જવાને તેને બચાવ્યા હતા. આ સાહસ બાદ RPF ના કોન્સ્ટેબલની રાજકોટ રેલવે ડિવિઝનલ મેનેજરે પ્રશંસા કરી હતી. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, 61 વર્ષીય મુસાફર બટુક દાસ રાજકોટથી દ્વારકાની મુસાફરી કરી રહ્યા હતા. જામનગર રેલવે સ્ટેશન પર તેઓ ટ્રેનમાંથી પાણી લેવા નીચે ઉતર્યા હતા. પાણી લીધા બાદ જ્યારે તેઓ ફરીથી ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમનું સંતુલન બગડ્યું અને તેઓ ચાલુ ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે પડી ગયા. જોકે તે સમયે ડ્યુટી પર તહેનાત RPFના કોન્સ્ટેબલ અમિત દહિયાએ તુરંત જ મુસાફરને પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેન વચ્ચેથી સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા. તેમની તત્પરતા, સાહસ અને કોઠાસૂઝના કારણે મુસાફરનો અમૂલ્ય જીવ બચી શક્યો. સદ્ભાગ્યે મુસાફરને કોઈ પ્રકારની ઈજા પહોંચી ન હતી.ઘટનાની જાણ થતાં જ સહાયક સબ ઇન્સ્પેક્ટર મુકેશ કુમાર સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુસાફરની કુશળતાની ખાતરી કર્યા બાદ તેમને સુરક્ષિત રીતે તે જ ટ્રેનમાં બેસાડવામાં આવ્યા અને ટ્રેનને આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવી. રાજકોટ ડિવિઝનના ડીવીઝનલ રેલવે મેનેજર ગિરિરાજકુમાર મીના તેમજ સહાયક સુરક્ષા કમિશનર પ્રભારી અશોક કુમાર ત્યાગી દ્વારા આરપીએફ કોન્સ્ટેબલ દ્વારા દર્શાવવામાં આવેલી તત્પરતા, સાહસ અને કોઠાસૂઝની પ્રશંસા કરવામાં આવી છે. રેલવે પ્રશાસન મુસાફરોને અપીલ કરે છે કે તેઓ ચાલુ ટ્રેનમાં ચઢવા કે ઉતરવાનો પ્રયાસ ન કરે. ટ્રેન સંપૂર્ણપણે થોભી જાય તે પછી જ સુરક્ષિત રીતે ટ્રેનમાં ચઢવું કે ઉતરવું. સહેજ પણ બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
RPF જવાને મુસાફરનો જીવ બચાવ્યો:CCTV: જામનગર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃધ્ધ ફસાતા બહાર કાઢવામાં આવ્યા
📅 Published: October 3, 2026 |
📂 Category: gujarati-news
