એશિયન ગેમ્સની હાઇ-વોલ્ટેજ ગોલ્ડ મેડલ મેચમાં પાકિસ્તાની ઓલરાઉન્ડર સૈમ અયુબ ભારતીય ચાહકોના નિશાના પર આવ્યો છે. મેચ દરમિયાન ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા બાદ સૈમ અયુબે વિકેટની ઉજવણી કરતી વખતે તેને ખોળામાં રહેલા બાળકને ખવડાવવાનો ખોટો ઈશારો કરીને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ હરકતથી ભારતીય ચાહકો ગુસ્સે ભરાયા હતા. જોકે, આ ઘટના બાદ મેચમાં સૈમ અયુબ માટે કશું જ સારું રહ્યું નહોતું.
બોલિંગમાં ભારે ધોવાણ અને બે મહત્વના કેચ છોડ્યા
સૂર્યવંશીની વિકેટ લીધા પછી સૈમ અયુબે મેદાન પર સતત ભૂલો કરી હતી. બોલિંગ કરતી વખતે ભારતીય બેટ્સમેનોએ તેને આડેહાથ લીધો હતો અને તેણે પોતાની 4 ઓવરમાં 11.8 ની ઈકોનોમીથી 47 રન આપી દીધા હતા. શિવમ દુબેએ અયુબના 7 બોલમાં 19 રન અને અભિષેક શર્માએ 6 બોલમાં 15 રન ઝૂડી કાઢ્યા હતા. આટલું ઓછું હોય તેમ, તેણે ફીલ્ડીંગમાં પણ નબળું પ્રદર્શન કર્યું હતું અને ત્રણ બોલમાં બે મહત્વના કેચ છોડ્યા હતા—પહેલાં અભિષેક શર્માને અને ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યરને લાઈફલાઈન આપી હતી. બાઉન્ડ્રી લાઇન પર ફીલ્ડીંગ કરતી વખતે પણ ચાહકોએ તેની ભારે મજાક ઉડાવી હતી, જેના વિડીયો પણ વાયરલ થયા છે.
અભિષેક શર્મા અને તિલક વર્માની વિસ્ફોટક બેટિંગ
મેચમાં માત્ર સૈમ અયુબ જ નહીં, પરંતુ સમગ્ર પાકિસ્તાની બોલિંગ એટેક ફ્લોપ રહ્યો હતો. વૈભવ સૂર્યવંશી (9 બોલમાં 15) અને સંજુ સેમસન (2 રન) જલ્દી આઉટ થઈ ગયા હતા, પરંતુ ઓપનર અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારીને પાકિસ્તાન સામે સૌથી ઝડપી ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 28 બોલમાં 7 છગ્ગા સાથે 61 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં શિવમ દુબેએ 15 બોલમાં 27 રન ફટકારી આક્રમણ જાળવી રાખ્યું હતું.
તિલક વર્માની આક્રમક ઇનિંગથી ભારતે 211 રનનો વિશાળ સ્કોર બનાવ્યો
છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા તિલક વર્માએ આખી મેચનું પાસું પલટી નાખ્યું હતું. એક સમયે ભારતીય ટીમ 170 રનની આસપાસ પહોંચે તેવું લાગી રહ્યું હતું, પરંતુ તિલક વર્માએ માત્ર 22 બોલમાં વિસ્ફોટક 51રન બનાવીને ભારતનો કુલ સ્કોર 20 ઓવરમાં 211 રન સુધી પહોંચાડી દીધો હતો.
વૈભવ સૂર્યવંશીને ચીડવવા પર સૈમ ઐયુબ થયા ટ્રોલ
વૈભવ સૂર્યવંશીની વિકેટ લીધા પછી સૈમ ઐયુબ જે બાલિશ હરકત કરી તેના લઈને સ્ટેડીયમમાં ચાહકોએ તેમની આકરી ટીકા કરી. આ મેચમાં જયારે તેઓ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરતા હતા ત્યારે પાછળ સ્ટેડિયમમાં બેસેલા ભારતના ચાહકોએ સૈમ ઐયુબની ખૂબ ટીકા કરી. એક ચાહકે કહ્યું ઓઈ..બિરયાની ઔર એક કેચ ડ્રોપ કરના. તો કોઈએ લખ્યું મેદાનમાં નહીં ઘૂમના વરના…વૈભવ સૂર્યવંશીને ચીડવવાનો આ વીડિયો વાયરલ થતા લોકો પાકિસ્તાની ખેલાડીઓને સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
