વેપારીના ગળામાંથી 90 હજારની સોનાની ચેઈન આંચકી બાઈકસવાર ગઠિયા રફુચકકર:પત્ની સાથે રાત્રે વોક પર નીકળેલા વેપારીને બે શખ્સોએ નિશાન બનાવ્યા, બાઈક પર પાછળ બેઠેલા શખ્સે ગળામાં હાથ નાખી ચેઈન ઝૂંટવી

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરના કારેલીબાગની આશુતોષ સોસાયટીમાં રહેતા 58 વર્ષીય કેમિકલ વેપારી પત્ની સાથે રાત્રે ચાલવા નીકળ્યા હતા ત્યારે ચંદ્રાવલી સર્કલ નજીક પાછળથી બાઈક પર આવેલા બે શખ્સોએ તેમના ગળામાંથી આશરે રૂ.90 હજારની સોનાની ચેઈન આંચકી લીધી હતી. બનાવ બાદ બાઈકસવાર શખ્સો વાઘેશ્વરી નાકા થઈ વીઆઈપી રોડ તરફ ફરાર થઈ ગયા હતા. વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠીયાની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી આશુતોષ સોસાયટીમાં રહેતા મિલીન્દ અનંતરાવ વડનેરકર (ઉં.વ.58) પાદરા તાલુકાના ઉમરાણ ગામ ખાતે કેમિકલનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ આશરે 4 વર્ષ પહેલાં ખરીદેલી દોઢ તોલા જેટલી ડિઝાઇનવાળી સોનાની ચેઈન રોજ પહેરતા હતા. 2 ઓક્ટોબરની રાત્રે તેઓ પત્ની મોનીકાબેન સાથે ચાલવા માટે ઘરેથી નીકળ્યા હતા. વેપારી દંપતી ઉત્કર્ષ પેટ્રોલ પંપ થઈ મુક્તાનંદ સર્કલ અને ત્યારબાદ ચંદ્રાવલી સર્કલ તરફ ગયા હતા. ત્યાંથી વાઘેશ્વરી નાકા તરફ જતા સમયે ચંદ્રાવલી સર્કલથી આશરે 50 મીટર દૂર વાઘેશ્વરી રોડ પર પાછળથી એક બાઈક પર બે શખ્સો આવ્યા હતા. બાઈક પર પાછળ બેઠેલા આશરે 35 વર્ષના શખ્સે મોઢા પર કાળા રંગની બુકાની બાંધી હતી. તેણે વેપારીના ગળામાં પહેરેલી આશરે 90 હજાર રૂપિયાની કિંમતની 15 ગ્રામ વજનની સોનાની ચેઈન અચાનક આંચકી લીધી હતી. ચેઈન આંચક્યા બાદ બંને બાઈકસવાર વાઘેશ્વરી નાકા થઈ વીઆઈપી રોડ તરફ પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. ઘટનાથી વેપારી દંપતીમાં ફફડાટ ફેલાયો હતો. બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બાઈકસવાર બંને શખ્સોને ઘટનાસ્થળ તથા આસપાસના માર્ગો પરના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *