Surat: ઓલપાડના મંજુલાબેન પટેલ મૃત્યુ પામીને પણ અમર બન્યા; હાર્ટ, લિવર, કિડની સહિત 5 અંગોનું દાન કરી પરિવારે જ્યોત પ્રગટાવી

📅 Published: October 4, 2026 | 📂 Category: Surat

અંગદાનના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહેલા સુરત શહેરમાંથી ફરી એકવાર માનવતા મહેકાવતો અને અન્યોને પ્રેરણા પૂરી પાડતો કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના મામી મંજુલાબેન પટેલે એક માર્ગ અકસ્માતમાં બ્રેન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારે લીધેલા ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણયના પગલે તેમના મહત્વપૂર્ણ અંગોનું દાન કરવામાં આવ્યું છે. આ અંગદાન થકી પાંચ અજાણ્યા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનની અમૂલ્ય ભેટ સાંપડી છે.

ભેસાણ રોડ પર બાઈક અકસ્માત સર્જાયો હતો

મળતી વિગતો અનુસાર, ઓલપાડ ખાતે રહેતા મંજુલાબેન પટેલ પોતાના પતિ સાથે મોટરસાઇકલ પર સવાર થઈને ભેસાણ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પતિ-પત્ની બંને રોડ પર જોરદાર પટકાયા હતા. જેમાં મંજુલાબેનને માથાના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી.તાત્કાલિક તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ન્યુરોસર્જન અને તબીબોની ટીમના તમામ પ્રયાસો છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહોતો અને ટૂંકી સારવારના અંતે તબીબોએ તેમને ‘બ્રેન ડેડ’ જાહેર કર્યા હતા.

ધારાસભ્ય મુકેશ પટેલ અને ડોનેટ લાઈફનું માર્ગદર્શન

સ્વજન ગુમાવવાના આ અસહ્ય આઘાત વચ્ચે પણ ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ ‘ડોનેટ લાઈફ’ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. પરિવારજનોએ દુઃખના પહાડ વચ્ચે પણ પોતાના સ્વજન અન્યોના શરીરમાં જીવંત રહે તેવા ઉમદા વિચાર સાથે મંજુલાબેનના અંગોનું દાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો હતો.

પાંચ મહત્વપૂર્ણ અંગોનું દાન

તબીબી પ્રક્રિયા અને કાયદાકીય મંજૂરીઓ પૂર્ણ કર્યા બાદ મંજુલાબેનના શરીરના મહત્વપૂર્ણ અંગો સ્વીકારવામાં આવ્યા હતા. હાર્ટ (હૃદય),લિવર,બે કિડની,ચક્ષુઓ (આંખો)આ પાંચેય અંગો સમયસર વિવિધ હોસ્પિટલોમાં દાખલ ગંભીર દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. મંજુલાબેનના હૃદય અને કિડની-લિવરથી અંતિમ શ્વાસ ગણી રહેલા લોકોને નવું જીવન મળ્યું છે, જ્યારે તેમની બંને આંખોથી બે અંધજનોના જીવનમાં નવી રોશની પથરાઈ છે. સ્વજનના ગયા પછી પણ પાંચ પરિવારોમાં ખુશીના દીવા પ્રગટાવનારા આ પરિવારના નિર્ણયને સુરતવાસીઓ અને તબીબી જગત બિરદાવી રહ્યું છે.

આ પણ વાંચો: Anand: મશીનરીના નામે આંતરરાજ્ય ઠગાઈનો પર્દાફાશ;શ્રેયા એન્જિનિયરિંગે આસામના વેપારીને 45 લાખનો ચૂનો ચોપડ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *