સુરતના કાપડ વેપારના મુખ્ય કેન્દ્ર સમાન સારોલી વિસ્તારમાંથી એક શ્વાસ અધ્ધર કરી દેનારી ઘટના સામે આવી છે. સારોલી સ્થિત જાણીતી ‘કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટ’માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ બે માળ વચ્ચે અધવચ્ચે જ અટકી ગઈ હતી. આ લિફ્ટમાં સવાર ૬ લોકો અંદર પુરાઈ જતાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સુરત ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી એક કલાક સુધી સાહસિક ઓપરેશન ચલાવી તમામ લોકોને સહીસલામત બહાર કાઢી લેતાં મોટી દુર્ઘટના ટળી છે.
લિફ્ટ B-2 માં ટેકનિકલ ફોલ્ટ સર્જાયો
પ્રાપ્ત વિગતો અનુસાર, કુબેરજી વર્લ્ડ માર્કેટમાં હંમેશની જેમ વેપારીઓ અને ગ્રાહકોની ભારે અવરજવર ચાલી રહી હતી. તે દરમિયાન કેટલાક લોકો લિફ્ટ નંબર B-2 માં સવાર થઈ ઉપરના માળે જઈ રહ્યા હતા. અચાનક કોઈ ગંભીર યાંત્રિક ખામી સર્જાતાં લિફ્ટ ઝટકા સાથે બે માળ વચ્ચે અટકી પડી હતી.લિફ્ટ અટકી જતાં જ અંદર લાઈટ અને વેન્ટિલેશનની સમસ્યા સર્જાવા લાગી હતી, જેના પગલે અંદર ફસાયેલા ૬ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બહાર ઊભેલા અન્ય વેપારીઓ અને સિક્યોરિટી સ્ટાફે લિફ્ટ ખોલવાના પ્રયાસો કર્યા પરંતુ સફળતા મળી નહોતી.
કંટ્રોલ રૂમમાં કોલ કર્યો અને ફાયર ટીમ દોડી આવી
આ ભયાનક સ્થિતિ વચ્ચે લિફ્ટમાં ફસાયેલા એક જાગૃત વ્યક્તિએ જરાય હિંમત હાર્યા વગર તાત્કાલિક પોતાના મોબાઈલ ફોન પરથી સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધી પરિસ્થિતિની ગંભીરતા જણાવી હતી.કોલ મળતાં જ સ્થાનિક ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ આધુનિક સાધન-સામગ્રી સાથે તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. લિફ્ટ ઊંચાઈ પર અને બે માળ વચ્ચે ચોંટેલી હોવાથી ઓપરેશન અત્યંત જોખમી અને પડકારજનક હતું.
1 કલાકની જહેમત બાદ હેમખેમ રેસ્ક્યૂ
ફાયર ફાઈટરોએ વિશેષ હાઇડ્રોલિક કટર, સ્પ્રેડર અને દોરડાઓની મદદથી લિફ્ટના દરવાજાને કાળજીપૂર્વક ખોલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અંદર સવાર લોકોને ગૂંગળામણ ન થાય તે માટે તાત્કાલિક ઓક્સિજન અને હવાની અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી હતી.લગભગ 1 કલાક સુધી ચાલેલી ભારે જહેમત અને કવાયત બાદ ફાયરની ટીમે તમામ ૬ વ્યક્તિઓને એક પછી એક હેમખેમ બહાર કાઢ્યા હતા. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈને પણ શારીરિક ઈજા ન પહોંચતાં કે જાનહાનિ ન થતાં માર્કેટના વેપારીઓ, બિલ્ડિંગ મેનેજમેન્ટ અને ફસાયેલા લોકોના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. ઘટના બાદ માર્કેટ સંચાલકોને તમામ લિફ્ટનું તાત્કાલિક સેફ્ટી ઓડિટ કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે.
