ભાવનગર જિલ્લામાં દૂધના ફેટ રિપોર્ટમાં આચરવામાં આવેલા એક વિશાળ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભોજપરા ગામે આવેલી ‘Crave Creamery LLP’ નામની દૂધની કંપનીમાં અસલ ફેટ રિપોર્ટના બદલે બોગસ અને ખોટા રિપોર્ટ બનાવીને કંપનીને ₹53 લાખનું જંગી આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કંપનીના કર્મચારીઓ અને અન્ય બહારના શખ્સોએ પરસ્પર મેળાપીપણામાં ગુનાહિત કાવતરું રચી આ મોટું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થયો છે.
ભાવનગર LCBએ 6 આરોપીઓને ઝડપ્યા
ઘટના અંગે વિગતવાર તપાસ હાથ ધરીને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની અલગ-અલગ ટીમોએ ત્વરિત કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કૌભાંડ અંગે ભરતનગર, વેળાવદર ભાલ અને તળાજા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ત્રણ ફરિયાદો નોંધાવવામાં આવી હતી. LCB પોલીસે સઘન દરોડા પાડીને ત્રણેય પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનાઓમાં સામેલ કુલ 6 આરોપીઓની અટકાયત કરી લીધી છે.
ઝડપાયેલા આરોપીઓની વિગતો અને કાનૂની કાર્યવાહી
પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓમાં (1) વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળ: રત્નાભાઈ વાહાભાઈ મેર (ઉં.વ. 27, રહે. ગણેશગઢ), શિવભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા (ઉં.વ. 30, રહે. બાવળીયાળી), ગોપાલભાઈ પાંચાભાઈ મેવાડા (ઉં.વ. 23, રહે. ભાવનગર); (2) તળાજા પોલીસ સ્ટેશન હેઠળ: જગદીશભાઈ સવાભાઈ ટોટા (ઉં.વ. 38, રહે. ફુલસર) અને નાનુભાઈ મકાભાઈ હાડગરડા (ઉં.વ. 39, રહે. ફુલસર); તેમજ (3) ભરતનગર પોલીસ સ્ટેશન હેઠળ: જયદીપભાઈ કમાભાઈ ભુવા (ઉં.વ. 26, રહે. ભાવનગર)નો સમાવેશ થાય છે. પોલીસે તમામ ઝડપાયેલા આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવવાની કાનૂની તજવીજ હાથ ધરી વધુ તપાસ ચાલુ કરી છે.
આ પણ વાંચો : Suratના ચોક બજાર વિસ્તારમાં ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી, ડેન્ગ્યુની સારવાર દરમિયાન 11 વર્ષના બાળકનું કરુણ મોત!
