વડોદરાના પોશ અને વ્યસ્ત ગણાતા સન ફાર્મા રોડ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલી એક ગર્ભવતી મહિલાને બેદરકાર કારચાલકે જોરદાર ટક્કર મારતાં મહિલા રસ્તા પર પટકાઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ ઈજાગ્રસ્ત સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવાના બદલે કારચાલકે ઘટનાસ્થળેથી કાર ભગાવી નાસી છૂટવાનો પ્રયાસ કરતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
ભાગવાનો પ્રયાસ કરતાં સ્થાનિકોએ પીછો કરી પકડ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની સ્પીડ અત્યંત વધુ હોવાથી ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને સીધી ગર્ભવતી મહિલાને ટક્કર મારી દીધી હતી. ધડાકાભેર ટક્કર વાગતાં જ મહિલા રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી અને સ્થળ પર ભારે ચીસાચીસ તેમજ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસ્માત જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે, કારચાલકે માનવતા નેવે મૂકીને એક્સિલરેટર દબાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જાગૃત નાગરિકો અને રાહદારીઓએ તુરંત પીછો કરીને કારને આંતરી લીધી હતી અને ચાલકને સ્થળ પર જ પકડી પાડ્યો હતો.
કારચાલક નશામાં હોવાની આશંકા
ઘટના સમયે કારચાલકની શંકાસ્પદ હિલચાલ, આંખો અને બોલવાની રીતભાત જોઈને સ્થાનિક લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી કે તે દારૂ કે કોઈ અન્ય નશીલા પદાર્થનું સેવન કરીને સ્ટીયરિંગ સંભાળી રહ્યો હતો. લોકોએ તેને પકડી રાખી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત ગર્ભવતી મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા તેની અને ગર્ભસ્થ શિશુની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
પોલીસે કારચાલકને કસ્ટડીમાં લીધો
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કારચાલકને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કાર કબજે કરી લીધી છે. કારચાલક ખરેખર દારૂ કે અન્ય નશાની હાલતમાં હતો કે કેમ, તે સત્તાવાર રીતે સ્પષ્ટ કરવા માટે તેને સરકારી હોસ્પિટલ લઈ જઈ બ્લડ સેમ્પલ સહિતના મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે કાયદેસરનો ગુનો નોંધી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Rajkot: કોરાટ ચોક પાસે યુનિફોર્મ પહેરી રોફ જમાવતો નકલી પોલીસ શાપર પોલીસના સકંજામાં!
