ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ સંગઠનના માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી તાજેતરમાં જ સંગઠન સહ મહામંત્રી પદે નિયુક્ત કરાયેલા અરુણ બિન્નાડી ગુજરાત આવી પહોંચ્યા છે. નવી સંગઠનાત્મક જવાબદારી સંભાળ્યા બાદ તેઓ સીધા યાત્રાધામ પ્રભાસ પાટણ સ્થિત દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના અને જળાભિષેક કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
દિગ્ગજ નેતાઓ અને સાંસદની વિશેષ ઉપસ્થિતિ
સોમનાથ મુલાકાત દરમિયાન પ્રદેશ અને સ્થાનિક સંગઠનના શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિ રહી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે તેમની સાથે પૂજા-અર્ચનામાં સહભાગી બન્યા હતા. રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર પણ દર્શન વેળાએ ખાસ હાજર રહ્યા હતા.ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, મોરચાના પ્રમુખો અને સ્થાનિક કાર્યકર્તાઓએ સોમનાથ પરિસરમાં અરુણ બિન્નાડીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
સોમનાથ મહાદેવના ચરણોમાં ધ્વજારોહણ અને પૂજન
મંદિરના પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ સંકલ્પ કરાવીને પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અરુણ બિન્નાડીએ દેશ અને રાજ્યના કલ્યાણ તેમજ સંગઠનના વિસ્તાર માટે પ્રાર્થના કરી હતી. સોમનાથ ટ્રસ્ટ તરફથી મહાનુભાવોનું સ્મૃતિચિહ્ન અને પ્રસાદ આપીને સન્માન કરાયું હતું.
સંગઠનને નવી ઊર્જા આપવાનો લક્ષ્યાંક
ભાજપ હાઇકમાન્ડ દ્વારા અરુણ બિન્નાડીની સંગઠન સહ મહામંત્રી તરીકેની નિમણૂંક આગામી સમયના સંગઠનાત્મક લક્ષ્યો અને ચૂંટણીલક્ષી સમીકરણોને ધ્યાને રાખીને કરવામાં આવી છે. સોમનાથ દાદાના દર્શન બાદ તેમણે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠક યોજી હતી અને સંગઠનની કામગીરી અંગે પ્રાથમિક ચર્ચા કરી હતી. તેમની આ સક્રિયતાથી રાજ્યભરના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
