અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરના સૌથી ધમધમતા અને પોશ ગણાતા સી.જી. રોડ પર વાહન પાર્કિંગની વ્યવસ્થા સુધારવા માટે ‘સ્માર્ટ પાર્કિંગ’ ઊભા કરવામાં આવ્યા હતા. પરંતુ મનપાના આ સ્માર્ટ પ્રોજેક્ટમાં ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. મોંઘા દાટ પ્રોજેક્ટ સામે અત્યાર સુધીમાં મનપાને આ સ્માર્ટ પાર્કિંગમાંથી માત્ર રૂ. 36,000 જેટલી નજીવી આવક થઈ છે. આટલી ઓછી આવક પાછળ મનપાની નબળી વ્યવસ્થા અને વાહનચાલકોની બેદરકારી જવાબદાર હોવાનું ધ્યાને આવ્યું છે.
ક્યુઆર કોડ સ્કેન કર્યા વિના વાહનો મૂકી ચાલ્યા જતા વાહનચાલકો
મનપાની આ સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા મુજબ વાહનચાલકે પોતાનું વાહન પાર્ક કર્યા બાદ ત્યાં મૂકેલા ક્યુઆર (QR) કોડને સ્કેન કરીને મિનિટ કે સમયગાળા મુજબ ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના વાહનચાલકો સ્માર્ટ પાર્કિંગમાં ગાડીઓ ઊભી રાખે છે અથવા તો રોડ પર જ આડેધડ વાહનો પાર્ક કરી દે છે. આ સિવાય ઘણા વાહનચાલકો પાર્ક કર્યા બાદ QR સ્કેન કર્યા વગર કે પેમેન્ટ ચૂકવ્યા વગર જ રવાના થઈ જાય છે. આવી ચોરી રોકવા કે વાહનચાલકો પર નજર રાખવા માટે મનપા દ્વારા ત્યાં કોઈ સિક્યોરિટી કે કર્મચારી જ તૈનાત કરવામાં આવ્યો નથી, જેના કારણે AMCને રોજેરોજ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
“હું અને શેઠ રોજ મફતમાં પાર્ક કરીએ છીએ”
સી.જી. રોડ પર પાર્કિંગ કરતા લોકોની માનસિકતા પણ આ નુકસાન પાછળ જવાબદાર છે. સ્થાનિક સ્તરે રિયાલિટી ચેક કરતી વખતે કેટલાક વાહનચાલકોએ બિંદાસપણે કબૂલ્યું હતું કે, “હું અને મારા શેઠ દરરોજ આ જ રીતે વગર પૈસે વાહન પાર્ક કરીએ છીએ, અહીં કોઈ પૈસા આપતું જ નથી.” તો બીજી તરફ જાગૃત નાગરિકો અને સ્થાનિકોનું કહેવું છે કે, મનપા જ્યારે સારી વ્યવસ્થા ઊભી કરે છે ત્યારે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. લોકો અહીં રૂ. 5 કે રૂ. 15 જેવા નજીવા પાર્કિંગ ચાર્જ આપવા માટે ખચકાય છે અને નિયમો તોડે છે, પરંતુ એ જ લોકો દરરોજ પાન, માવા કે સિગારેટ પાછળ સેંકડો રૂપિયા ખર્ચી નાખે છે ત્યારે કોઈ પૈસા સામુ જોતું નથી.
આ પણ વાંચો : Bhavnagar News : ભોજપરાની દૂધ કંપનીમાં બોગસ ફેટ રિપોર્ટનું કૌભાંડ, LCBએ 3 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી 6ની કરી અટકાયત
