યુક્રેનમાં ભારતીય ઉદ્યોગપતિની ફાર્મા ફેક્ટરી પર હુમલો:1નું મોત, રશિયાએ ડ્રોનથી નિશાન બનાવી; 400 કરોડનું નુકસાન

📅 Published: October 4, 2026 | 📂 Category: International

રશિયાએ યુક્રેનના સૂમી શહેરમાં ભારતીય ઉદ્યોગપતિ રાજીવ ગુપ્તાની દવા બનાવતી ફેક્ટરી પર ડ્રોનથી હુમલો કર્યો. હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીની મુખ્ય ઇમારતને ભારે નુકસાન થયું છે અને તેનો મોટાભાગનો હિસ્સો નષ્ટ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ, કંપનીને ઓછામાં ઓછા 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હુમલા બાદ ફેક્ટરીવાળા વિસ્તારમાંથી ધુમાડાનો મોટો ગોટો ઊડતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકો અને ઘાયલોનો આંક વધી શકે છે. આ ફેક્ટરી રશિયાની સરહદથી આશરે 23 કિલોમીટર દૂર છે. 1990ના દાયકામાં યુક્રેન ગયા હતા રાજીવ ગુપ્તા આ ફેક્ટરી કુસુમ ગ્રુપની છે. કંપની ભારતીય નાગરિક રાજીવ ગુપ્તા ચલાવે છે. તેઓ 1990ના દાયકામાં યુક્રેન ગયા હતા અને ત્યાં જ તેમણે કુસુમ ગ્રુપનો બિઝનેસ ઊભો કર્યો. કંપનીએ 1994માં ભારતની દવાઓ યુક્રેન મોકલતી ડિસ્ટ્રીબ્યુટર કંપની તરીકે કામ શરૂ કર્યું હતું. 1996માં તેને યુક્રેનમાં સત્તાવાર રીતે કંપની તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. કુસુમ ગ્રુપની હેડ ઓફિસ યુક્રેનની રાજધાની કીવમાં છે. તેને યુક્રેનમાં કાર્યરત અગ્રણી ભારતીય ફાર્મા કંપનીઓમાંની એક માનવામાં આવે છે. પહેલા કંપની અન્ય કંપનીઓની દવાઓ વેચતી હતી 2002માં કુસુમ ગ્રુપે અન્ય કંપનીઓની દવાઓ વેચવાનું કામ બંધ કરી પોતાના બ્રાન્ડની દવાઓનું માર્કેટિંગ શરૂ કર્યું. ત્યારબાદ કંપનીએ પોતે દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું. 2007માં ભારતમાં પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. 2009માં યુક્રેનના સૂમીમાં દવા બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી. ત્યારબાદ ભારતમાં વધુ બે ઉત્પાદન સુવિધાઓ શરૂ કરવામાં આવી. કુસુમ ગ્રુપ 50થી વધુ જેનેરિક દવાઓના બ્રાન્ડ બનાવે છે. આમાં ટેબ્લેટ, કેપ્સૂલ અને લિક્વિડ દવાઓનો સમાવેશ થાય છે. કંપનીનાં ઉત્પાદનો યુક્રેન ઉપરાંત ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, ફિલિપાઇન્સ અને અન્ય દેશોમાં પણ વેચાય છે. કંપનીનો વેપાર 9થી વધુ દેશોમાં છે. ભારતમાં કંપનીની ઉત્પાદન સુવિધાઓ રાજસ્થાનના ભિવાડી અને મધ્ય પ્રદેશના પીથમપુર ઇન્દોરમાં પણ છે. કુસુમ ગ્રુપ પોતાને ભારતીય મૂળ ધરાવતી યુક્રેનિયન કંપની ગણાવે છે. કંપનીનો કારોબાર ભારતની દવાઓના વિતરણથી શરૂ થયો હતો અને બાદમાં તેણે યુક્રેનમાં પોતે દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું. યુદ્ધ દરમિયાન પણ ચાલુ રહ્યો સુમીનો પ્લાન્ટ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પણ સુમીની આ ફેક્ટરી કામ કરતી રહી હતી. હવે રશિયન ડ્રોન હુમલામાં તેની મુખ્ય ઇમારતને ભારે નુકસાન થયું છે અને ફેક્ટરીનું મુખ્ય કામ અટકી ગયું છે. રિપોર્ટ અનુસાર, રશિયા યુક્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં શહીદ ડ્રોન ઝીંકી રહ્યું છે. આ ડ્રોન જેટ એન્જિનથી ચાલે છે અને તેમની કિંમત તુલનાત્મક રીતે ઓછી છે. યુક્રેનની એર ડિફેન્સ ટીમોને તેમને રોકવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે તેમને રોકવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્ટરસેપ્ટર ડ્રોન શહીદ ડ્રોન કરતાં ધીમા છે. આ દરમિયાન યુક્રેને આ અઠવાડિયે પોતાની સ્વદેશી બેલિસ્ટિક મિસાઇલ FP-7નો પ્રથમ વખત યુદ્ધમાં ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. તેની મારક ક્ષમતા આશરે 250 કિલોમીટર હોવાનું જણાવાયું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *