ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ૧૬મા પદવીદાન સમારોહમાં જ્ઞાન, કૌશલ્ય અને રાષ્ટ્રસેવાના સંકલ્પનો સંગમ જોવા મળ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ તથા યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કુલ ૬૯૮૯ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જ્યારે ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ મેળવનાર ૪૩ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત પીએચ.ડી. પૂર્ણ કરનારા ૨૭ સંશોધક વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરી જણાવ્યું હતું કે, કચ્છના આ મહાન સપૂતે વિદેશમાં રહીને પણ ભારતની આઝાદીની ચળવળને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે યુવાનોને શ્યામજી કૃષ્ણ વર્મા તથા મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવનમાંથી પ્રેરણા લઈ કર્તવ્ય, રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓને ડિગ્રીને માત્ર નોકરી મેળવવાનું સાધન ન બનાવતા પોતાના ક્ષેત્રમાં કુશળતા, પ્રામાણિકતા અને માનવસેવાની ભાવના વિકસાવવાની અપીલ કરી હતી. વિકસિત ભારતના નિર્માણમાં યુવાનો સક્રિય ભાગીદાર બને તેવો અનુરોધ કરતા તેમણે વૃક્ષારોપણ, જળસંચય અને નશામુક્તિ જેવા સંકલ્પો લેવા પણ આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે યુનિવર્સિટી પરિસરમાં આધુનિક ‘નમો ઈ-લાઇબ્રેરી’ તથા સ્કીલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. DMF ફંડ અને સાંસદ વિનોદભાઈ ચાવડાના સહયોગથી વિકસિત ઈ-લાઇબ્રેરીમાં કમ્પ્યુટર તથા ડિજિટલ શૈક્ષણિક સંસાધનોની સુવિધા ઉપલબ્ધ બનશે. INFLIBNET અને ONOS જેવી સેવાઓ મારફતે વિદ્યાર્થીઓને ઈ-જર્નલ્સ, ઈ-બુક્સ, સંશોધન સામગ્રી અને થિસિસ સુધી સરળ પહોંચ મળશે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ યુનિવર્સિટીની પ્રગતિને આવકારતા જણાવ્યું હતું કે, આ સંસ્થા આગામી સમયમાં ગુજરાતની અગ્રણી યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવે તેવી આશા છે. કુલપતિ ડો. મોહનભાઈ પટેલે પણ યુનિવર્સિટીના આગામી વિકાસ આયોજનો અને નવા અભ્યાસક્રમો અંગે માહિતી આપી હતી. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. સમારોહમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા સહિત અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં 6989 વિદ્યાર્થીઓ દીક્ષિત:43ને ગોલ્ડ મેડલ અપાયા, રાજ્યપાલે યુવાનોને રાષ્ટ્રસેવાનો સંદેશ આપ્યો
📅 Published: October 4, 2026 |
📂 Category: gujarati-news
