Vadodara: VMC દ્વારા નવી 30 ઈલેક્ટ્રિક બસો દોડાવવાની તૈયારી પૂર્ણ; રોજના હજારો મુસાફરોને મળશે રાહત

📅 Published: October 5, 2026 | 📂 Category: Baroda

સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો માટે તહેવારોની મોસમ પૂર્વે વડોદરા મહાનગરપાલિકા (VMC) તરફથી એક ઉત્તમ ભેટ સામે આવી છે. શહેરી જનજીવન અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાને વધુ આધુનિક તેમજ સુગમ બનાવવાના હેતુથી પાલિકાના કાફલામાં વધુ નવી 30 ઈલેક્ટ્રિક બસો (E-Buses) નો ઉમેરો થયો છે. આગામી દિવાળીના તહેવારોમાં નાગરિકોની અવરજવર સરળ બને તે માટે આ બસોનું લોકાર્પણ આગામી 7 ઓક્ટોબરના રોજ કરવાની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં ઈ-બસનો કુલ આંકડો 80 પર પહોંચ્યો

વડોદરા શહેરમાં અત્યાર સુધી જુદા જુદા રૂટો પર 50 જેટલી ઈલેક્ટ્રિક બસો કાર્યરત હતી. આ સેવાનો લાભ પ્રતિદિન અંદાજે 9,100 થી વધુ દૈનિક મુસાફરો લઈ રહ્યા છે.હવે નવી 30 બસો ઉમેરાતાં શહેરમાં દોડતી કુલ ઈલેક્ટ્રિક બસોનો આંકડો વધીને સીધો 80 પર પહોંચી જશે. નવી બસો આવવાથી ફ્રિક્વન્સી વધશે અને મુસાફરોને બસ સ્ટોપ પર લાંબો સમય રાહ જોવામાંથી મુક્તિ મળશે.

ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હળવી થશે

દિવાળીની ખરીદી ટાણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હળવી થશે,તહેવારો નજીક આવી રહ્યા હોવાથી બજારોમાં ખરીદી માટે ભારે ભીડ ઉમટી રહી છે. તેવામાં નવી 30 ઈ-બસો કાર્યરત થવાથી ખાનગી વાહનો લઈને નીકળતા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળશે, જેથી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા ઘટશે.બજારો અને મોલ આસપાસ પાર્કિંગની માથાકૂટમાં મોટો ઘટાડો થશે.પર્યાવરણને અનુકૂળ એવી શૂન્ય ઉત્સર્જન (Zero Emission) ધરાવતી આ બસો શહેરના વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે.

 નવા રૂટ્સ પણ આવરી લેવાશે

પાલિકાના સત્તાધીશો દ્વારા 7 ઓક્ટોબરે આ બસોને લીલી ઝંડી આપી પ્રજાના હિતાર્થે લોકાર્પિત કરવાની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે. શહેરના જે વિસ્તારોમાં અત્યાર સુધી કનેક્ટિવિટી ઓછી હતી તેવા વિસ્તારો તેમજ મુખ્ય રેલવે સ્ટેશન, બસ ડેપો અને નવા વિકસતા પરાં વિસ્તારોને આવરી લેતા રૂટ પર આ નવી બસો દોડાવવામાં આવશે. દિવાળી પૂર્વે જાહેર પરિવહન વધુ સસ્તું, આરામદાયક અને ઝડપી બનતાં નગરજનોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.

આ પણ વાંચો: Surat: ઉત્રાણ VIP સર્કલ પાસે BRTS બસ અને સ્કૂલ રિક્ષા વચ્ચે અકસ્માત; SMC સ્કૂલના બાળકો ઈજાગ્રસ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *