Surat: RTOમાં લાઈસન્સમાં મોબાઈલ લિંક કરાવવા અરજદારોના કામધંધા છૂટ્યા, કલાકો સુધી લાંબી લાઈન

📅 Published: October 5, 2026 | 📂 Category: Surat

સરકાર દ્વારા તમામ સરકારી સેવાઓ પેપરલેસ અને ફેસલેસ બનાવીને ઘેરબેઠા ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ સુરત આરટીઓ (RTO) કચેરી ખાતે જમીની હકીકત સાવ વિપરીત અને અત્યંત કફોડી જોવા મળી રહી છે. ડ્રાઇવિંગ લાઈસન્સ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવા તેમજ લાઈસન્સમાં સામાન્ય સુધારા-વધારા કરવા માટે સુરત RTO કચેરીએ આવતા સેંકડો અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સિસ્ટમ અપડેટ ન હોવાને કારણે અને સર્વરની વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓને લીધે ઓનલાઇન કામગીરી અટકી પડતાં સામાન્ય નાગરિકોને કચેરીના ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.

ઓનલાઇન સિસ્ટમ ઠપ થતા લોકો કામધંધો છોડી કચેરીએ દોડ્યા

ડ્રાઇવિંગ લાઈસન્સ સંબંધિત સેવાઓમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ અરજદારોનું કામ ઘરે બેઠા પૂર્ણ થતું નથી. RTOનું સોફ્ટવેર અને સર્વર અપડેટ ન હોવાના કારણે ડેટા મિસમેચ અને વેરિફિકેશનની નાની-નાની ટેકનિકલ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. પરિણામે, મજબૂર બનીને અરજદારોએ પોતાની રોજીરોટી કે નોકરી-ધંધો છોડીને રૂબરૂ RTO કચેરીએ દોડી આવવું પડે છે.

ફરી કાગળ પર અરજીઓ કરાવતાં આક્રોશ

કચેરી પરિસરમાં પણ પૂરતા પ્રમાણમાં કોમ્પ્યુટર કે ઓપરેટરો ન હોવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. ફરી કાગળ પર અરજીઓ કરાવતાં આક્રોશ સુરત RTO કચેરી ખાતે ખાસ કરીને કાઉન્ટર નંબર 25 પર લાઈસન્સ સુધારા અને મોબાઈલ લિંકિંગ માટે સવારથી જ અરજદારોની કીડીયારાની જેમ લાંબી લાઈનો જોવા મળી રહી છે.કલાકો સુધી કતારમાં ઊભા રહીને અરજદાર જ્યારે છેક કાઉન્ટરની બારી સુધી પહોંચે છે, ત્યારે તેને અંદરથી એવો તુમાખીભર્યો જવાબ આપવામાં આવે છે કે, “કાગળ પર હાથેથી અરજી લખીને લાવો.”ઓનલાઇન અરજી કરી હોવા છતાં ફરીથી મેન્યુઅલ કાગળિયાં અને ફોર્મ ભરાવવાની આ પદ્ધતિથી અરજદારોમાં ભારે નારાજગી ફેલાઈ છે. લોકો કચેરી બહાર બેસીને કાગળ-પેન શોધી અરજીઓ લખવા મજબૂર બન્યા છે.

ડિજિટલ સેવાઓ માત્ર કાગળ પર

કલાકો સુધી લાઈનમાં અટવાયેલા અરજદારોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, એક તરફ સરકાર મોબાઈલ પર તમામ સેવાઓ આપવાની ગુલબાંગો પોકારે છે અને બીજી તરફ સુરત જેવા મેગા સિટીમાં એક મોબાઈલ નંબર લિંક કરાવવા જેવી મામૂલી કામગીરી માટે પણ આખો દિવસ બગાડવો પડે છે.સિનિયર સિટીઝનો અને મહિલાઓ પણ આ અંધાધૂંધીમાં કલાકો સુધી ઊભા રહેવા મજબૂર બન્યા છે. જ્યાં સુધી તંત્ર દ્વારા સર્વર અપગ્રેડ કરવામાં નહીં આવે, વધારાના કોમ્પ્યુટરો મુકાશે નહીં અને કાઉન્ટરોની સંખ્યા વધારવામાં નહીં આવે, ત્યાં સુધી સુરતવાસીઓને આ યાતનામાંથી મુક્તિ મળે તેમ લાગતું નથી. લોકોએ RTOના ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરી તાત્કાલિક વ્યવસ્થા સુધારે તેવી માંગણી કરી છે.

આ પણ વાંચો: Vadodara: VMC દ્વારા નવી 30 ઈલેક્ટ્રિક બસો દોડાવવાની તૈયારી પૂર્ણ; રોજના હજારો મુસાફરોને મળશે રાહત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *