વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્ય દીપક લોધી ઉર્ફે રસિક દુલારી શરણના મોત બાદ સમગ્ર મામલો વધુ ગરમાયો છે. 25 સપ્ટેમ્બરે દીપકે વૃંદાવન સ્થિત ગુરુ કૃપા કુંજની 4થી માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ અને ત્યારબાદ ત્રણ પરિવારો દ્વારા તેમના પરિજનો ગુમ હોવાની ફરિયાદોને લઈને આશ્રમ બહાર હોબાળો થતાં મામલો ચર્ચામાં આવ્યો હતો.
પ્રેમાનંદ મહારાજે આશ્રમ છોડ્યાનો દાવો
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મથુરાના કેટલાક સંતો દ્વારા પ્રેમાનંદ મહારાજના આશ્રમ છોડીને બેલવન આશ્રમમાં જવાના દાવા કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્મા ફલાહારીના જણાવ્યા મુજબ આશ્રમમાં 2 જૂથ ઊભા થયા છે અને આ આંતરિક વિવાદને કારણે પ્રેમાનંદ મહારાજ બેલવન જતા રહ્યા છે.તેમના આરોપ મુજબ આશ્રમમાં અસલી અને નકલી સંતોના 2 જૂથ ભેગા થયા છે અને નકલી સંતો અહીં જમીન અને પ્રોપર્ટીનો ધંધો કરી રહ્યા છે.આ વાતથી પ્રેમાનંદજી મહારાજ અત્યંત દુખી થયા છે અને તે બેલવન આશ્રમમાં જતા રહ્યા છે અને તેમની સાથે કેટલાક અસલી સંતો પણ ગયા છે
15 આશ્રમો પર કબજાનો ગંભીર આરોપ
મીડિયા અહેવાલોમાં દિનેશ શર્મા ફલાહારીએ એવો પણ આરોપ મૂક્યો છે કે કેટલાક લોકો સંતોના વેશમાં જમીન અને પ્રોપર્ટીના વ્યવહારમાં સંડોવાયેલા છે. તેમના દાવા મુજબ આવા લોકો દ્વારા વૃંદાવનમાં આશરે 15 આશ્રમો પર કબજો કરવામાં આવ્યો છે. જોકે, આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
સાધ્વી ઇંદુલેખાએ પણ ઉઠાવ્યા સવાલ
ઉપરાંત મીડિયા અહેવાલોમાં મથુરાની સાધ્વી ઇંદુલેખાએ પણ કેટલાક અસામાજિક તત્વો પર પ્રેમાનંદ મહારાજની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના દાવા મુજબ જમીન પર કથિત ગેરકાયદે કબજાને લઈને પણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમણે પ્રેમાનંદ મહારાજની સુરક્ષા વધારવાની માંગ કરી છે.
CBI તપાસની માંગ
મહામંડલેશ્વર રાધાનંદ ગિરિએ પણ સમગ્ર મામલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અહેવાલો મુજબ તેમના જણાવ્યા મુજબ કેટલાક લોકો એક મોટા સંતની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સંતોના નામે કાર્ય કરતા કથિત ઘૂસણખોરોની તપાસ માટે CBI તપાસની માંગ કરી છે.
તપાસ સામે અનેક સવાલો
દીપક લોધીના મોત, આશ્રમની બહાર થયેલા હોબાળા અને હવે સામે આવી રહેલા સંતોના આક્ષેપોએ સમગ્ર મામલાને વધુ જટિલ બનાવી દીધો છે. આશ્રમ મેનેજમેન્ટે અગાઉ ઘટનાની તપાસમાં સહયોગ કરવાની વાત કરી હતી. હવે પ્રેમાનંદ મહારાજના આશ્રમ છોડવાના દાવા અને 15 આશ્રમો પર કબજાના આક્ષેપો અંગે વાસ્તવિક સ્થિતિ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો
