સુરતના કોસંબામાં ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસ તપાસ વધુ આગળ વધી છે. એક જ પરિવારની 3 મહિલાઓની અલગ-અલગ સમયે હત્યા કરી મૃતદેહોને અલગ-અલગ સ્થળે દાટી દેવામાં આવ્યા હોવાના મામલે હવે પોલીસે વધુ એક મૃતદેહની શોધખોળ શરૂ કરી છે.
વાડામાંથી દાદી સાસુનું કંકાલ મળ્યું
પોલીસ તપાસ મુજબ દાદી સાસુ શાંતાબેનના મૃતદેહને ઘરના વાડામાં ડ્રમમાં ભરી ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો. આ સ્થળેથી પોલીસે કંકાલ રિકવર કરી તપાસ આગળ ધપાવી છે.
સાળીનો મૃતદેહ કબ્રસ્તાનમાં દાટ્યાનો આરોપ
આ કેસમાં સાળી ભારતીબેનના મૃતદેહને કોસંબા નજીક સાવા રોડ પર આવેલા આદિવાસી કબ્રસ્તાનમાં દાટી દેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, આ વિસ્તારમાં અનેક વખત પાણી ફરી વળવાને કારણે મૃતદેહ દાટવામાં આવેલી ચોક્કસ જગ્યા શોધવામાં મુશ્કેલી પડી રહી છે.
એસડીએમ અને અધિકારીઓની હાજરીમાં કબર ખોદવાની કામગીરી
ભારતીબેનના મૃતદેહની શોધ માટે આજે કોસંબા પોલીસે એસડીએમ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કબર ખોદવાની કામગીરી શરૂ કરી છે. પોલીસ દ્વારા સ્થળ પર તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પાણીના કારણે સ્થળની ઓળખમાં પડકારો ઊભા થતાં પોલીસ માટે આ કામગીરી મહત્વપૂર્ણ બની છે.
મુખ્ય આરોપી દંપતી પોલીસ રિમાન્ડમાં
આ કેસમાં મુખ્ય આરોપી માધવદાસ અને તેની પત્ની ઉર્મિલા હાલ કોસંબા પોલીસની કસ્ટડીમાં રિમાન્ડ પર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સમગ્ર ઘટનાક્રમમાં હત્યાની કડી, મૃતદેહોને અલગ-અલગ સ્થળે દાટવા પાછળની હકીકત અને અન્ય સંભવિત વિગતો અંગે તપાસ કરી રહી છે.
પોલીસની તપાસ હવે વધુ નિર્ણાયક તબક્કામાં
ટ્રિપલ મર્ડર કેસમાં અત્યાર સુધી સામે આવેલી વિગતોને આધારે પોલીસની તપાસ હવે વધુ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. ખાસ કરીને કબ્રસ્તાનમાંથી ભારતીબેનનો મૃતદેહ મળે છે કે નહીં, તેના આધારે તપાસમાં વધુ મહત્વની કડી મળી શકે છે.
આ પણ વાંચો : Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો
