રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધોધમાર પધરામણી કરી છે. રાજકોટ તાલુકાના ખોખળદળ તેમજ તેની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને મન મૂકીને વરસાદ વરસ્યો હતો. માત્ર 20 થી 25 મિનિટના ટૂંકા સમયગાળામાં જ પોણા થી એક ઈંચ જેટલો ખાબકેલા વરસાદને કારણે માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા.
વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં આનંદ
લાંબા વિરામ બાદ અચાનક આવેલા આ સાર્વત્રિક વરસાદના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશી અને આનંદનો માહોલ વ્યાપી ગયો છે. ઊભા પાકને જીવનદાન મળતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ધાર્યા મુજબનો વરસાદ ન થવાના કારણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ મોસમનો સરેરાશ વરસાદ થવામાં મોટા પ્રમાણમાં ઘટ જોવા મળી રહી છે.
હજુ પણ વરસાદની ઘટ પૂરી થવાની આશા
ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા આ ટૂંકા પણ ભારે ઝાપટાથી જળાશયો અને તળાવોમાં પાણીની આવક વધવાની આશા જાગી છે. ખેડૂતો અને ગ્રામજનો એવી આશા રાખી રહ્યા છે કે આગામી દિવસોમાં પણ જો આવો જ સારો વરસાદ વરસી જશે તો જિલ્લામાં પ્રવર્તી રહેલી વરસાદની ખાધ પૂરી થઈ શકશે અને શિયાળુ પાક માટે પાણીનું સંકટ દૂર થશે.
