અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રી મહોત્સવને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે પોલીસે કડક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 890 ગરબાના આયોજનો થવાના છે, જેમાંથી 17 જેટલી કોમર્શિયલ ગરબાની અરજીઓ મળી છે. ખાસ કરીને બોપલ અને અમદાવાદ શહેરની નજીકના ગરબા આયોજનો પર પોલીસની વિશેષ નજર રહેશે. આ તમામ કોમર્શિયલ આયોજકો માટે પોલીસે 24 પોઈન્ટની ખાસ ચેકલિસ્ટ તૈયાર કરી છે, જે અંતર્ગત પોલીસ દ્વારા દરરોજ સુરક્ષા તપાસ કરવામાં આવશે.
અત્યાધુનિક ટેકનોલોજી અને ડ્રોનથી ક્રાઉડ મેનેજમેન્ટ
ગરબા પંડાલમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. દરેક ગરબા સ્થળે CCTV રૂમ ફરજિયાત રાખવો પડશે અને દરરોજ આ કેમેરાનું રેકોર્ડિંગ સુરક્ષિત જાળવવું પડશે. ભીડભાડ પર નિયંત્રણ મેળવવા માટે ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઉડ મેનેજમેન્ટ કરાશે. આ ઉપરાંત, ગરબાની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ પાસનું વિતરણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ગેરકાયદે પાર્કિંગના નામે નાણાં ઉઘરાવનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.

મહિલા સુરક્ષા અને સંયુક્ત ડ્રિલનું આયોજન
મહિલાઓ અને બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ગરબા સ્થળો પર વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મહિલાઓ અને બાળકો માટે અલગ હેલ્પ ડેસ્ક, તેમજ પોલીસ અને મેડિકલ માટે પણ અલગ ડેસ્ક બનાવાશે. મહિલાઓની સુરક્ષા માટે ‘શી ટીમ’ સતત તૈનાત રહેશે અને પોલીસકર્મીઓ સાદા વસ્ત્રોમાં પણ ગરબા સ્થળે હાજર રહીને બાજ નજર રાખશે. આયોજકો દ્વારા પણ ફરજિયાતપણે મહિલા બાઉન્સર રાખવામાં આવશે. તદુપરાંત, આગામી 9 ઓક્ટોબરે ફાયર, મેડિકલ અને R&B વિભાગની સંયુક્ત ટીમ દ્વારા મોકડ્રિલ યોજાશે અને સમગ્ર નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો: Ahmedabadના સાબરમતીમાંથી બાળક અપહરણ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૂર્વ નર્સ નીકળી મુખ્ય સૂત્રધાર!
