'મહિલા ખેલાડીને કહ્યું-સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે':સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.માં ગંદી રાજનીતી ચાલતી હોવાનો સભ્યનો આક્ષેપ, સેક્રેટરીએ કહ્યું- તપાસ કરીશું

📅 Published: October 5, 2026 | 📂 Category: gujarati-news

સુરતના રમત જગતમાં ચાલતી ગંદી રાજનીતિ અને આંતરિક ખેંચતાણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ વખતે ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિ અને મહિલા સુરક્ષા જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓને લઈને ભારે હોબાળો મચ્યો હતો. 200થી વધુ સભ્યોની હાજરીમાં મળેલી આ બેઠકમાં સૌથી ગંભીર આક્ષેપ એ સામે આવ્યો હતો કે, સંસ્થાના એક કોચે મહિલા ખેલાડીને ટીમમાં પસંદગી માટે ‘રાત્રે ચેટિંગ’ કરવાની માગણી કરી હતી. બીજી તરફ, એસોસિએશનના સેક્રેટરીએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી કડક તપાસની ખાતરી આપી છે. ‘સિલેક્શન જોઈતું હોય તો રાત્રે ચેટિંગ કરો’: સભ્ય પ્રતીક શાહ
એસડીસીએના સભ્ય પ્રતીક શાહે સામાન્ય સભામાં ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં એક કોચ દ્વારા મહિલા ખેલાડીને મેસેજ કરાયો હતો કે ‘જો સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે.’ આ ગંભીર બાબત સેક્રેટરીના ધ્યાને હોવા છતાં સંબંધિત કોચને બચાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેમની પાસે ક્રિકેટ પ્રશાસનની ગેરરીતિઓના પુરાવા અને ફોન રેકોર્ડિંગ્સ આવ્યા છે, જેને તેઓ યોગ્ય તપાસ માટે ટૂંક સમયમાં પોલીસ સમક્ષ રજૂ કરશે. ટેન્ડરિંગ વિના વહીવટ, ISPLના હિસાબ અને હિતોના ટકરાવ પર સવાલો
વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, ઓડિટ રિપોર્ટમાં ટેન્ડરિંગ ન થયું હોવા અંગે ઓડિટર દ્વારા કરાયેલી ગંભીર નોંધ મુખ્ય મુદ્દો છે. તેમણે જણાવ્યું કે, ISPL સાથે કોઈ ઔપચારિક કોન્ટ્રાક્ટ થયો ન હોવા છતાં વહીવટ કરાયો છે અને કોઈ પણ ઈનવોઈસ વિના સેક્રેટરીના અંગત ઈ-મેઈલ મારફતે વ્યવહારો કરીને SOPનું ઉલ્લંઘન કરાયું છે. 5 કરોડ રૂપિયાની માગણી સામે સંસ્થામાં માત્ર 2.5 કરોડ આવ્યા છે અને તેને આખરી પેમેન્ટ ગણાવાયું છે. આ ઉપરાંત ક્રિકેટ સેક્રેટરી, હેડ કોચ અને સિલેક્ટરો પોતાની અંગત એકેડેમી ચલાવતા હોવાથી હિતોનો ખુલ્લો ટકરાવ સર્જાઈ રહ્યો છે. ઓવરએજ કૌભાંડ અને બોગસ સર્ટિફિકેટ
સામાન્ય સભામાં એક ખેલાડીના 2 અલગ-અલગ જન્મ તારીખ ધરાવતા પ્રમાણપત્રોનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પ્રતીક શાહના જણાવ્યા મુજબ સુરતમાં 150થી 200 જેટલી એકેડેમીઓમાં 50થી 60 હજાર યુવાનો તાલીમ લઈ રહ્યા છે. જોકે, બહારથી આવતા ડોમિસાઇલ વગરના અને ઓવરએજ ખેલાડીઓને કારણે દર વર્ષે 1,000થી 1,500 સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓ અન્યાયનો ભોગ બને છે. ભૂતકાળમાં રણજી ટ્રોફીમાં સુરતના 7-8 ખેલાડીઓ રમતા હતા જ્યારે આજે 50 લાખની વસ્તી ધરાવતા શહેરમાંથી કોઈ ખેલાડી આગળ આવી શકતો નથી. તેમણે સિલેક્શન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા ટ્રાયલ મેચોનું સ્કોરિંગ ફરજિયાત ઓનલાઇન કરવાની માગ કરી હતી. ‘ઝીરો ટોલરન્સ નીતિ, પુરાવા વિના માત્ર હવામાં આક્ષેપો’: સેક્રેટરી ડૉ. નૈમેષ દેસાઈ
મહિલા ખેલાડી સાથેના ચેટિંગના આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ડૉક્ટર નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, આ મામલે AGM દરમિયાન પહેલીવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આજદિન સુધી કોઈપણ ખેલાડી કે વાલી તરફથી આવી કોઈ ફરિયાદ મળી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આવી બાબતો સામે સંસ્થાની નીતિ ‘ઝીરો ટોલરન્સ’ની છે. અમારી ટીમમાં મહિલા કોચ કાર્યરત છે અને ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી હેઠળ કામ થાય છે. જો કોઈ નક્કર પુરાવા મળશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. નાણાકીય ગેરરીતિ અને હિતોના ટકરાવના તમામ આરોપોનું ખંડન
ISPL ટુર્નામેન્ટ અંગે સ્પષ્ટતા કરતા ડૉ. નૈમેષ દેસાઈએ ઉમેર્યું હતું કે, ઈ-મેઈલ વ્યવહારને મેનેજિંગ કમિટીમાં યોગ્ય રીતે મંજૂર કરવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ પેટે નક્કી થયેલા 2.5 કરોડ રૂપિયા વત્તા GSTની રકમ પાઈ-પાઈ સહિત એસોસિએશનના બેંક ખાતામાં જમા થઈ ચૂકી છે અને હિસાબ એજીએમમાં પાસ થઈ ગયો છે. સિલેક્ટર કે કોચની ખાનગી એકેડેમી ચાલતી હોવાની વાત નકારતાં તેમણે જણાવ્યું કે, તમામ નિયુક્તિઓ નિયમોને આધીન થઈ છે. પોતાના પર લાગેલા આક્ષેપો અંગે તેમણે ખુલાસો કર્યો કે, તેઓ 45 વર્ષથી બાળરોગ નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરે છે અને તેમણે મૈત્રી ટ્રસ્ટમાંથી ક્યારેય 1 રૂપિયો પણ લીધો નથી. બોગસ જન્મ પ્રમાણપત્રના વિવાદમાં ખેલાડીના દસ્તાવેજો GCAને મોકલાયા હતા અને બોન ટેસ્ટ પાસ થયા બાદ જ મંજૂરી અપાઈ હતી, જેથી તમામ આક્ષેપો પાયાવિહોણા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *