Chhota udepur : ગુજરાત ભાડા વિધેયક વિરોધને બોડેલી બાર એસો.નું સમર્થન ।

📅 Published: October 5, 2026 | 📂 Category: gujarati-news

18

બાર એસોસિએશનની સંયુક્ત અસાધારણ સામાન્ય સભામાં રાજ્યના વિવિધ બાર એસોસિએશનો દ્વારા કરાઇ રહેલી લડતને સંપૂર્ણ સમર્થન આપવાનો સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. અગાઉ પણ તા. 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન કોર્ટ કામગીરીથી અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો હતો. હવે બાર કાઉન્સિલ ઓફ્ ગુજરાતના પરિપત્ર ક્રમાંકBCG/16457/2026ના અનુસંધાને 5 ઓક્ટોબરથી આગળના આદેશ સુધી કોર્ટ કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો છે. બોડેલી બાર એસોસિએશનના વકીલોએ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પરિપત્રની ઝેરોક્ષ નકલો સળગાવી વિરોધ વ્યક્ત કરાયો હતો. નવા સૂચિત કાયદાથી વકીલો તેમજ સામાન્ય પક્ષકારોને મુશ્કેલી થવાની શક્યતા દર્શાવી કાયદામાં જરૂરી સુધારા-વધારા કરવાની માંગ કરાઇ છે.

આ અંગે બોડેલી બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપાલ ફેમિલી જજ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તેમજ એડિશનલ પ્રિન્સિપાલ ફેમિલી જજને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં વકીલો તથા પક્ષકારોની ગેરહાજરી દરમિયાન કોઈ કેસ એકતરફી રીતે ચલાવવામાં ન આવે તેમજ ગેરહાજરીને દરગુજર કરવા રજૂઆત કરાઈ હતી. ઉપરાંત વકીલો કે પક્ષકારો વિરુદ્ધ કોઈ વોરંટ, નોટિસ, ડિફોલ્ટ, એક્સપાર્ટી કે અન્ય પ્રતિકૂળ હુકમ ન કરવામાં આવે અને વકીલોની કામગીરી ફરી શરૂ થાય ત્યાં સુધી સંબંધિત કેસોની કાર્યવાહી મુલતવી રાખવા વિનંતી કરી છે.

બોડેલી બાર એસોસિએશન દ્વારા ગુજરાત ભાડા વિધેયક-2025માં વકીલો અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા-વધારા કરવાની માંગ સાથે રાજ્યવ્યાપી વકીલ આંદોલનને સમર્થન જાહેર કરાયું છે.

આ પ્રસંગે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખઃ લલિતચંદ્ર ઝેડ. રોહિત, ઉપપ્રમુખ ઇન્દિરાબેન એ. રોહિત, જનરલ સેક્રેટરી અજય કે. શ્રીવાસ્તવ, જોઇન્ટ સેક્રેટરી નિલેશકુમાર એસ. રાઠવા, ખજાનચી ભાવિષા આર. વસાવા, લાઇબ્રેરી સેક્રેટરી આશા કે. ઠક્કર સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહી વિરોધ નોંધાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *